કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર 80 વર્ષીય શિલા દિક્ષિત પર ભરોસો વ્યક્ત કરીને તેમને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ એકમમાં સંકટ વખતે બીજી વખત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષિતને કમાન સોંપવામાં આવી છે. દિલ્હીમાં ત્રણ ટર્મ સુધી મુખ્યપ્રધાન રહેનારા શિલા દિક્ષિતના હાર્યા બાદ અહીં કોંગ્રેસ હજી સુધી બેઠી થઈ સકી નથી. દિલ્હીમાં પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં કરવામાં આવેલા વિકાસકાર્યોને કારણે શિલા દિક્ષિતને એક અલગ ઓળખ મળી હતી. કોંગ્રેસે બીજી હરોળના નેતાઓને ઉભા કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડને મહેસૂસ થયું કે દિલ્હીમાં જો રાજકીય લડાઈમાં વાપસી કરવી હશે, તો શિલા દિક્ષિતથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. તેમનાથી જેવા પ્રકારની અપેક્ષા કરવામાં આવે છે, તેને જોતા તેમની સામેના રાજકીય પડકારો પણ ઓછો થવાના નથી.
શિલા દિક્ષિત સામે સૌથી મોટો પડકાર દિલ્હીમાં લથડી ચુકેલી કોંગ્રેસને ફરીથી ઉભી કરવાનો છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની વોટબેંકને પોતાના કબજા હેઠળ લઈ લીધી છે. આ પડકાર એટલા માટે પણ મોટો છે, કારણ કે સામાન્ય રીતે માનવામાં આવે છે કે કોંગ્રેસના વોટર્સ નિમ્ન-મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના છે. પરંતુ અરવિંદ કેજરીવાલની સરકારે પોતાના પાણી-વીજળી, મહોલ્લા ક્લિનિક, શાળાકીય શિક્ષણના માળખામાં સુધારા જેવી પહેલ દ્વારા કોંગ્રેસની વોટબેંકને સાધવાની કોશિશ કરી છે.
હાલ દિલ્હીમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય રાજ્યની વિધાનસભામાં નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ લગભગ વિખેરાઈ ચુક્યા છે. હજી દિલ્હી કોંગ્રેસની બીજી હરોળના નેતાઓ પણ દેખાઈ રહ્યા નથી. કેન્દ્ર અને દિલ્હીમાં સરકાર નહીં હોવાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ ઘટી ગયો છે. સંગઠનાત્મક સ્તર પર પાર્ટીને ચુસ્ત-દુરસ્ત કરવાની તાતી જરૂરિયાત છે. દિલ્હીમાં કોંગ્રેસ પોતાની રાજકીય જમીન પાછી મેળવવામાં લાગી ગઈ છે. કદાચ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આટલા માટે જ શિલા દિક્ષિતને જવાબદારી સોંપી છે. જેથી કોંગ્રેસ માટે ફરીથી દિલ્હીમાં રાજકીય જમીન તૈયાર કરી શકાય. દિલ્હીની 2013ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદથી કોંગ્રેસ પોતાના જનાધારને મજબૂત કરવામાં લાગેલી છે અને શિલા દિક્ષિતની સામે પણ આ મોટો પડકાર હશે.
રાષ્ટ્રીય સ્તર પર જેવી રાજકીય તસવીર હાલ ઉભરી રહી છે, તેમા કોંગ્રેસ સહીતના વિપક્ષમાં રહેલા તમામ પ્રાદેશિક પક્ષો ગઠબંધન કરીને ચૂંટણી લડવાની કોશિશ કરી રહ્યા છે. બિહાર અને યુપીમાં ગઠબંધનોની ઘોષણા પણ થઈ ચુકી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે દિલ્હીમાં પણ ક્યાસ લગાવાયો છે કે શું લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની રાજકીય પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવવાની કોશિશ કરશે? રાજકીય વર્તુળોમાં આનો ગણગણાટ સાંભળવા મળ્યો છે. કોંગ્રેસ આના સંદર્ભે વિચારણા કરે તેવી શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે શું કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે? આ આમ આદમી પાર્ટી કોંગ્રેસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આંદોલનના ગર્ભમાંથી પેદા થઈ હોવાનું ભૂલી શકશે? ભ્રષ્ટાચાર વિરોધી અણ્ણા આંદોલનમાંથી બનેલી આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને આસમાનમાંથી જમીન પર લાવી દીધી અને કોંગ્રેસનો એકપણ ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શક્યો નથી.
આમ આદમી પાર્ટી સામે મળેલી રાજકીય ચોટને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુકેલા અજય માકન કદાચ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હશે. માટે તેઓ આમ આદમી પાર્ટીની સાથેના ગઠબંધનની વિરુદ્ધ હતા. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ પણ પોતાના રાજ્યમાં કેજરીવાલની પાર્ટી સાથે દોસ્તીને કબૂલ કરવાનો ઈન્કાર કરી ચુક્યા છે. શિલા દિક્ષિત પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાનો અભિપ્રાય ધરાવતા હોવાનું માનવામાં આવે છે. શિલા દિક્ષિતે કહ્યુ છે કે કોંગ્રેસ એકલા હાથે જીતવા માટે સક્ષમ છે. તેમને કોઈપણ ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી. આમ આદમી પાર્ટીનો જે રેકોર્ડ રહ્યો છે, તે તેમને પ્રેરીત કરતો નથી. તેમણે ક્યારેય આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું નથી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની સામે ચૂંટણી લડી હતી.
પરંતુ કહેવામાં એવું પણ આવે છે કે રાજનીતિમાં કંઈપણ શક્ય છે, કારણ કે અહીં કોઈ સ્થાયી દુશ્મન અથવા કાયમી દોસ્ત જેવી કોઈ ચીજ હોતી નથી. પરંતુ એવી સ્થિતિ બને કે દિલ્હીમાં લોકસભા ચૂંટણી મટે કોંગ્રેસને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવુ પડે, તો સવાલ થશે છે કે વિધાનસભા ચૂંટણીમાં આમ કેમ નહીં? શું બંને પક્ષો એકસાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે? અથવા તો પછી બંનેના માર્ગ અલગ હશે?
શિલા દિક્ષિતે 1998માં આના પહેલા દિલ્હી કોંગ્રેસની કમાન સંભાળી હતી. તે સમયે રાજકીય પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે પાર્ટીને સતત વિભિન્ન ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડી રહ્યો હતો. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 1991, 1996 અને 1998ની લોકસભા, 1993ની વિધાનસભા અને 1997ની નગરનિગમની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો.
શિલા દિક્ષિતની જૂની પ્રોફાઈલને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને દિલ્હીનું નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો છે. તેઓ પંદર વર્ષો સુધી સતત મુખ્યપ્રધાન રહ્યા હતા. તે વખતે દિલ્હીના આખા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું પરિવર્તન લાવવાનો શ્રેય શિલા દિક્ષિતને આપવામાં આવ્યો હતો. શિલા દિક્ષિતના પ્રશાસનિક અનુભવને જોતા તેમના ઉપર હાઈકમાન્ડે ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે, કારણ કે તેમના કામકાજને લઈને કોઈ વિવાદ જોવા મળ્યો નથી. તેમને એક સારા મેનેજર માનવામાં આવે છે. પોતાના જૂના અનુભવોને કારણે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે હાઈકમાન્ડને લાગે છે કે તેમને દિલ્હીનો અનુભવ ચે અને તે કારણ છે કે તેમને દિલ્હીના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ભાજપને સત્તામાંથી હટાવવાના ઉદેશ્ય સાથે વિભિન્ન રાજ્યોમાં વિપક્ષી દળોનું એકજૂટ થવાનું શરૂ થઈ ચુક્યુ છે. કોંગ્રેસ મહાગઠબંધનની પુરજોર તરફદારી કરી રહી છે. તો બિહારમાં મહાગઠબંધન ઉભું કરી ચુકી છે. જો કે શિલા દિક્ષિત પોતાની રાજકીય રણનીતિનો હાલ કોઈ ખુલાસો કરી રહ્યા નથી. દિલ્હીમાં કોંગ્રેસની પાસે લોકસભા અને વિધાનસભામાં એકપણ બેઠક નથી. આ સ્થિતિમાં આગામી ચૂંટણીની રણનીતિ પર તેઓ કહે છે કે દિલ્હીમાં ગઠબંધન પર ચર્ચા ચાલી રહી છે અને જ્યારે સમય આવશે, તો તેની જાણકારી મળી જશે.