1000 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવતી સબ-સોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળતાપૂર્વક કરાયું પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે સોમવારે સફળતાપૂર્વક હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું ઓડિશાના સમુદ્રતટ પર પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને બેંગાલુરુ ખાતેના એરોનોટિકલ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસિત કરાઈ છે. એડીઈ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હેઠળની લેબોરેટરી છે. નિર્ભય એક લાંબા અંતરની અને દરેક હવામાનમાં મલ્ટીપલ પ્લેટફોર્મ્સ પરથી પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ છે. નિર્ભય સબસોનિક ક્રૂઝ મિસાઈલ દ્વારા પરંપરાગત અને પરમાણુ હથિયારોના વહન કરી શકાય છે.
નિર્ભય સબસોનિક મિસાઈલને ટેકઓફ માટે સોલિડ રોકેટ બુસ્ટર અને જ્યારે તેના દ્વારા જરૂરી વેલોસિટી અને ઊંચાઈ પ્રાપ્ત કરી લેવામાં આવે ત્યારે ટર્બોફેન એન્જિન દ્વારા તેની કામગીરી આગળ વધે છે. નિર્ભય મિસાઈલને રિસર્ચ સેન્ટર ઈમરત દ્વારા વિકસિત કરવામાં આવેલી આંતરીક નેવિગેશન સિસ્ટમથી માર્ગદર્શિત કરવામાં આવે છે અને રેડિયો અલ્ટમીટર દ્વારા ઊંચાઈને નિર્દેશિત કરવા માટે વાપરવામાં આવે છે.
નિર્ભય રિંગ લેઝર ગાયરોસ્કોપ આધારીત ગાઈડન્સ, કંટ્રોલ અને નેવિગેનશન સિસ્ટમના સાધનોથી સજ્જ છે. તે એમઈએમએસ આધારીત ઈનરશિયલ નેવિગેશન સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમ પણ ધરાવે છે. છ મીટરની નિર્ભય મિસાઈલની પહોળાઈ 0.52 મીટર, વિંગ સ્પાન 2.7 મીટર અને તેનું વજન 1500 કિલોગ્રામ છે. નિષ્ણાતો મુજબ, નિર્ભય 24 અલગ પ્રકારના વોરહેડ્સ મિશનની જરૂરિયાત મુજબ ડિલિવર કરી શકે છે.
નિર્ભય મિસાઈલ મલ્ટીપલ ટાર્ગેટ્સમાંથી નિશાનને પસંદ કરીને તેના પર હુમલો કરે છે. નિર્ભય મિસાઈલના બંને તરફના વિંગ્સ તેને જમીનથી 100 મીટરથી ચાર કિલોમીટરના અલગ અલ્ટિટ્યૂડ્સમાં ઉડાણની ક્ષમતા પણ આપે છે. જરૂરિયાત મુજબ, દુશ્મનના રડારથી બચવા માટે નિર્ભય સબસોનિક મિસાઈલ લૉ અસ્ટિટ્યૂડ્સ પર પણ ઉડ્ડયન કરી શકે છે. બ્રહ્મોસ મિસાઈલની 450 કિલોમીટરની રેન્જથી વધુ રેન્જમાં નિર્ભય મિસાઈલ તેના પુરક તરીકેની ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે.