માવઠાં, આંધી-તોફાનમાં કુલ 31ના જીવ ગયા: એમપીમાં 13, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 9 લોકોના મોત
નવી દિલ્હી: આંધી-તોફાને દેશના ઘણાં શહેરોમાં કેર વરસાવ્યો છે. દેશના માટોભાગના શહેરોમાં તેજ આંધી અને વરસાદની સાથે કરાં પણ પડયા છે. રાજસ્થાનમાં કુદરતી કેરમાં નવ, મધ્યપ્રદેશમાં 13 અને ગુજરાતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. આખા દેશમાં આંધી-તોફાનને કારણે 31 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. આજે પણ હવામાન વિભાગે આંધી-તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત અને મધ્યપ્રદેશની સાથે રાજસ્થાનના પણ ઘણાં વિસ્તારોમાં જીવલેણ આંધી-તોફાને દસ્તક દીધી હતી. રાજસ્થાનના પ્રતાપગઢ અને ઝાલાવાડમાં તેજ આંધી અને વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઘણાં સ્થાનો પર વૃક્ષો ઉખડી ગયા અને વીજળીના થાંભલા સડકો પર પડી ગયા હતા. રાજસ્થાનમાં આંધી-તોફાનને કારણે નવ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ આંધી –તોફાનનો ખતરો હજી ટળ્યો નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલપ્રદેશમાં હવામાન વિભાગે તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં ફરી એકવાર જીવલેણ આંધી-તોફાન દસ્તક દે તેવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આ કુદરતી કેરમાં મરનારાઓ અને ઘાયલ થનારાઓ માટે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે આંધી-તોફાનને કારણે થયેલા નુકસાનથી તેઓ આહત છે અને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થઈ જવાની કામના કરે છે. આના સિવાય પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ
સૌથી પહેલી વાત મધ્યપ્રદેશની. મધ્યપ્રદેસના ઝાબુઆમાં પણ અચાનક હવામાને મિજાજ બદલ્યો અને કાળા વદળો સાથે વરસાદે કેર વરસાવ્યો. અહીં તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે ઘણું નુકસાન થયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. ઈન્દૌરમાં ત્રણ, ધાર, સીહોર અને ખરગોનમાં બે-બે, રાજગઢ, રતલામ, ઝાબુઆ અને છિંદવાડા જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત નીપજ્યા છે.
રાજસ્થાન
રાજસ્થાનમાં કુદરતી કેરને કારણે નવ લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધારે તબાહી ઉદયપુર અને ઝાલાવાડ જિલ્લામાં થઈ છે. ઝાલાવાડ જિલ્લામાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઉદયપુરમાં વીજળીના 800 થાંભલા અને 70 ટ્રાન્સફોર્મર પડી ગયા છે. ઉદયપુર રેલવે સ્ટેશનની ટીનની છત ઉડી ગઈ છે. ઝાલાવાડના ગણેશપુરામાં કાચા મકાનના ધ્વસ્ત થવાથી બે બહેનોના મોત નીપજ્યા છે. સંભલમાં વીજળી પડવાથી બે બાળકોના મોત નીપજ્યા છે. તેવી જ રીતે ઉદયપુરના વીજળી પડવાથી એકનું મોત નીપજ્યું છે. અલવરમાં લગ્ન દરમિયાન મંડપ પડવાને કારણે દુલ્હનના ભાઈનું મોત નીપજ્યું છે અને લગ્નમાં સામેલ થવા માટે આવેલા 14 લોકો ઘાયલ થયા છે. આવા પ્રકારે હનુમાનગઢના કરની સર અને જયપુરના જમવારામગઢમાં પણ દિવાલ ધસી પડતા બે લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાત
ગુજરાતમાં કમોસમી વરસાદ, આંધી-તોફાનને કારણે નવ લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટન, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં માવઠાંને કાણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. આંધી-તોફાનના કેરને કારણે ચૂંટણ પર પણ અસર જોવા મળી છે. આજે પીએમ મોદીની ગુજરાતમાં ત્રણ રેલીઓ છે. ઘણાં સ્થાનો પર તેમના સ્વાગત માટે લગાવાયેલા હોર્ડિંગ પણ પડી ગયા છે.
હવામાન વિભાગે બુધવારે પણ દેશના ઘણાં રાજ્યોમાં આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશના નીમચ, મંદસૌર, રાજગઢ, શાજાપુર, સીહોર, ભોપાલ, ગુના, વિદિશા, ભિંડ, દતિયા અને અશોકનગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.