દિલ્હીઃ ભારતની વિદેશનીતિ અને દેશમાં થઈ રહેલા વિકાસના કામોની અમેરિકા સહિતના દુનિયાના વિવિધ દેશોએ પણ નોંધ લીધી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની દુનિયાના વિવિધ દેશોએ વખાણી છે. ત્યારે હવે ભારતના હરિફ મનાતા ચીનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિય હોવાનો ખુલાસો થયો છે. ચીનમાં ગ્લોબલ ટાઈમ્સ નામના મીડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચીનના 50 ટકા જેટલા નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીથી ખુશ હોવાનો ખુલાસો થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં તણાવ આવ્યો છે. દરમિયાન ચીનના જાણીતા મીડિયા હાઉસ ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ભારત-ચીનના સંબંધને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. ચીનમાં મોટાભાગના નાગરિકો પોતાના નેતાઓ કરતા વધારે ભારતના પીએમ મોદીની કાર્યપ્રણાલીથી ખુશ છે.
સર્વ અનુસાર ચીનના 50 ટકા નાગરિકો બેઈજિંગ પ્રત્યે અનુકૂળ પ્રભાવ ધરાવે છે જ્યારે 50 ટકા લોકોએ ભારતની મોદી સરકારને વખાણી છે. લગભગ 70 ટકા લોકો માને છે કે ભારતમાં ચીન વિરોધી ભાવના ખુબ વધારે થઈ ગઈ છે. જ્યારે 30 ટકાથી વધુ લોકોને લાગે છે કે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે. સર્વેક્ષણમાં સામેલ 9 ટકા લોકોનું માનવું છે કે ભારત–ચીનના સંબંધોમાં સુધાર ઓછા સમય માટે જોવા મળશે. તેમજ 25 ટકા લોકોના જણાવ્યાં મુજબ બંને દેશોના સંબધં લાંબા સમય સુધી મજબૂત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો ઉપર ચીની સેનાએ કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે સંબંધમાં તણાવ ઉભો થયો હતો. બીજી તરફ ભારત સરકાર દ્વારા ચીનની 100થી વધારે મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એટલું જ નહીં અનેક ચીનની કંપનીઓએ ભારત સરકારે સરકારી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાંથી દૂર કરી છે. ત્યારે ચીનના મીડિયા હાઉસ દ્વારા કરેલા આ સર્વેના આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે.