કર્ણાટકમાં અપક્ષ ધારાસભ્ય નાગેશે પ્રધાનપદેથી આપ્યું રાજીનામું, કુમારસ્વામીની સરકાર પર સંકટ
બેંગલુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ યથાવત છે. અમેરિકાના પ્રવાસેથી પાછા ફરેલા કુમારસ્વામીએ કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્ય રામલિંગા રેડ્ડી સાથે મુલાકાત કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, બંને વચ્ચે આ મુલાકાત ક્યાં ઠેકાણે થઈ છે, તેનો ખુલાસો થઈ શક્યો નથી. તો કર્ણાટકમાં પ્રધાન અને અપક્ષ ધારાસભ્ય નાગેશે પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર સામે બળવો કરીને રાજીનામું આપનારા 13 ધારાસભ્યો પોતાના નિર્ણય પર અડગ છે. રવિવારે મોડી રાત્રિ સુધી તેમણે મનાવવાની કોશિશ ચાલતી રહી, પરંતુ કોઈ પરિણામ નીકળ્યું નથી. સરકાર બચાવવા માટે મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી રાજીનામું આપવાના પણ સંકેત મળી રહ્યા છે.
તો રાજીનામાથી આઘાદતમાં આવેલી કોંગ્રેસે ધારાસભ્યોને મનાવવાની તાત્કાલિક કોશિશો શરૂ કરી હતી. સરકારના સંકટમોચક રહેલા ડી. કે. શિવકુમારે પણ ધારાસભ્યો સાથે વાત કરી પરંતુ તેઓ માન્યા નથી. દિલ્હીમાં મોતીલાલ વોરા, મલ્લિકાર્જૂન ખડગે સહીત વરિષ્ઠ નેતાઓએ પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. મંગળવારે ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે. આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવે છે, કારણ કે એવા અહેવાલ છે કે વધુ કેટલાક ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી શક્યતા છે. પાર્ટીએ બેઠકમાં નહીં આવનારાઓ પર કાર્યવાહીના સંકેત આપ્યા છે.
કર્ણાટકના અપક્ષ ધારાસભ્ય નાગેશે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે.
ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ એકમે રવિવારે દાવો કર્યો છે કે તેને કર્ણાટકના કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના દશ અસંતુષ્ટ ધારાસભ્યોને મુંબઈમાં હોવાની જાણકારી નથી.
રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન કુમારસ્વામી રવિવારે સાંજે અમેરિકાથી બેંગલુરુ પહોંચ્યા હતા. મોડી રાત્રિ સુધી પાર્ટી પ્રમુક અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડના નિવાસસ્થાને વરિષ્ઠ નેતાઓની બેઠકો ચાલતી રહી હતી. રાજ્યના પાર્ટી પ્રમુખ એચ. ડી. કુમારસ્વામીએ ક્હ્યુ છે કે જે ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેમને મનાવવાની કોશિશ કરવામાં આવી છે.