ભાવનગરઃ બોટાદના ઢસામાં સ્વામીનારાયણ ગુરુકુલમાં ચોરીના ઈરાદે ઘુસેલા અજાણ્યા શખ્સોએ ગુરુકુળના સ્વામી ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. મોડી રાતે અજાણ્યા શખ્સો ગુરુકુળમાં ઘુસતા જાગી ગયેલા સ્વામીએ તેમને પડકાર્યા હતા.. જેથી તસ્કરોએ તેમની ઉપર હુમલો કર્યો હતો… ગંભીર રીતે ઘવાયેલા સ્વામીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ઢસામાં આવેલા ગુરુકુળમાં મોડી રાતે ચોરી કરવાના ઈરાદે અજાણ્યા શખ્સો ઘુસ્યાં હતા. દરમિયાન સ્વામી અક્ષરપ્રકાશ દાસજી જાગી ગયા હતા. તેમજ તેમણે તસ્કરોને પડકાર્યા હતા. જેથી ઘરફોડિયાઓએ તેમની ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન બુમાબુમ થતા હુમલાખોરો અંધારાનો ગેરલાભ લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સ્વામીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે એફએસએલ અને ડોગસ્કવોડની મદદથી હુમલાખોરોને ઝડપી લેવા કવાયત આરંભી હતી. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માટે માંગણી કરી છે.