1. Home
  2. revoinews
  3. ચૂંટણી પહેલા “અચ્છે દિન”ના અહેસાસની થશે કોશિશ, મોદી સરકાર રાહતોનો ખોલશે પટારો
ચૂંટણી પહેલા “અચ્છે દિન”ના અહેસાસની થશે કોશિશ, મોદી સરકાર રાહતોનો ખોલશે પટારો

ચૂંટણી પહેલા “અચ્છે દિન”ના અહેસાસની થશે કોશિશ, મોદી સરકાર રાહતોનો ખોલશે પટારો

0

આગામી બે માસ બાદ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેના પહેલા 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આમ તો મોદી સરકારના ગત પાંચ બજેટ જોઈએ, તો તે બિલકુલ સંતુલિત હોવાનો દાવો કરવામાં આવતો હતો. પરંતુ શું સામાન્ય બજેટની જેમ જ વચગાળાનું બજેટ પણ સંતુલિત હશે? કારણ કે આ એલાનની સીધી અસર લોકસભા ચૂંટણી પર જોવા મળશે અને હવે ચૂંટણી મહોત્સવના ત્રિભેટે આવીને ઉભેલી મોદી સરકાર જનતાને નારાજ કરવા ઈચ્છશે નહીં. માટે આ બજેટમાં એ બધું જ થઈ શકે છે કે જેની આશા જનતા કરી રહી છે.

આમ તો સરકારે ગરીબ સવર્ણોને દશ ટકા અનામતનું એલાન કરીને સંકેત આપ્યા છે કે હજી તેમના પટારામાં જનતા માટે ઘણી ખુશખબરીઓ બાકી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે અનામત પર ચર્ચા દરમિયાન સંસદમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે જો વિપક્ષને લાગે છે કે મોદી સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા એલાન કરી રહી છે, તો આ સાચું છે. એક નહીં, પણ આવા પ્રકારના વધુ મોટા એલાન થવાના છે. અહેવાલો છે કે મોદી સરકાર વચગાળાના બજેટમાં જનતાને ખુશ કરવા માટે મુખ્ય પાંચ એલાનો કરે તેવી શક્યતા છે. આ એલાનોમાં ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબો, પેન્શનર્સ અને નાના વેપારીઓ તથા કારોબારીઓને રાહત આપવાની કોશિશો થશે.

લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં મોદી સરકાર પાંચ મોટી ઘોષણાઓ કરે તેવી શક્યતા છે.

  1. ખેડૂતો પર મહેરબાન થશે મોદી સરકાર?
  2. મકાનો વધુ સસ્તા થવાની શક્યતા
  3. ટેક્સમાં છૂટની મર્યાદામાં વધારાની શક્યતા
  4. પેન્શનમાં પણ વધારો કરાય તેવી શક્યતા
  5. નાના વેપારીઓને રાહતના એલાનની શક્યતા

1. ખેડૂતો પર મહેરબાન થશે મોદી સરકાર?

મોદી સરકાર કોઈપણ સ્થિતિમાં ખેડૂતોને લોકસભાની ચૂંટણી પહેલા ખુશ કરવા ચાહે છે. બિઝનસ ટુડેના સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી માટે દર સિઝનમાં ચાર હજાર રૂપિયા પ્રતિ એકરના દરથી આર્થિક મદદ કરે તેવી શક્યતા છે અને આ રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતમાં મોકલવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોનું માનવું છે કે સરકાર દ્વારા આના સંદર્ભેનું એલાન વચગાળાના બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં લગભગ 21.6 કરોડ નાના-સીમાંત અને મધ્યમ ખેડૂતો છે. મતદાતાઓના બહુ મોટા વર્ગમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષ અને આંદોલનના ઘટનાક્રમો વચ્ચે વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર તેમને રાહતની મોટી ઘોષણાઓ કરે તેવી શક્યતા છે.

આ સિવાય ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવા મામલે પણ સરકાર વિચારણા કરી રહી છે. આ સિવાય સરકારી ખજાના પર વાર્ષિક લગભગ 2.30 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. તેમા 70 હજાર કરોડની ખાતર માટેની સબસિડી સહીત અન્ય નાની યોજનાઓનોને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોનું માનવું છે કે આ નિર્ણયને આખરી ઓપ આપવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

2. મકાનો વધુ સસ્તા થવાની શક્યતા

આમ તો મોદી સરકારે વર્ષ 2022 સુધી સૌના માટે મકાનનું લક્ષ્યાંક રાખ્યું છે. પરંતુ લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકાર મિડલ ક્લાસને હોમલોનના વ્યાજદરમાં રાહત આપીને ખુશ કરવા ચાહે છે. બિઝનસ ટુડેના અહેવાલ મુજબ, હોમલોનના વ્યાજદરમાં છૂટની સાથે સરકાર જીએસટી દ્વારા મકાન ખરીદનારા મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવાની વિચારણા કરી રહી છે.

સરકાર અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને મકાન પર જીએસટીના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. હાલ અંડર કન્સ્ટ્રક્શન મકાનો પર બાર ટકા જીએસટી લાગે છે, તેને પાંચ ટકાના સ્લેબમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે, તો મકાનની ખરીદી વધુ આસાન બની જશે. મહત્વપૂર્ણ છે કે 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તમામને મકાન આપવાનો વાયદો કર્યો હતો.

3. ટેક્સમાં છૂટની મર્યાદામાં વધારો થશે?

મોદી સરકાર વચગાળાના બજેટમાં ઈન્કમટેક્સની છૂટની મર્યાદા વધારીને મધ્યમ વર્ગને ખુશ કરે તેવી શક્યતા છે. હાલ ઈન્કમટેક્સમાં છૂટની મર્યાદા અઢી લાખ રૂપિયા સુધીની છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આમા વધારો કરીને ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધી લઈ જાય તેવી શક્યતા છે. હાલ ટેક્સ સ્લેબમાં અઢી લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. જ્યારે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાના દરથી ટેક્સ લાગે છે.

4. પેન્શનમાં વધારાના એલાનની શક્યતા

જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી વૃદ્ધો માટેના પેન્શન (ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન)માં વધારાની માગણી થઈ રહી છે. પરંતુ હજી સુધી 2007માં લાગુ 200 રૂપિયા પ્રતિ માસ જ કેન્દ્ર સરકાર એક વૃદ્ધને પેન્શન આપે છે. એટલે કે ગત 11 વર્ષોમાં પેન્શનની રકમમાં કોઈ વધારો થયો નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ આના સંદર્ભે ગંભીરતા વ્યક્ત કરીને સરકારને તલબ કરી હતી.

અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર વચગાળાના બજેટમાં પેન્શનમાં વધારાનું એલાન કરીને વૃદ્ધોને ખુશ કરી શકે છે. તેના ઉપર સરકારની અંદર તમામ મંત્રાલયો વચ્ચે મંથન ચાલી રહ્યું છે. જો કે 200 રૂપિયાની રકમમાં સરકાર કેટલો વધારો કરશે, તેનો ખુલાસો માત્ર ઘોષણાના દિવસે જ થઈ શકશે. આમ તો ઘણાં સંગઠનો દ્વારા પેન્શનની રકમમાં વધારો મોંઘવારી મુજબ ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ કરવાની માગણી થઈ રહી છે. સરકાર 60થી 79 વર્ષના વયજૂથમાં આવતા વૃદ્ધોને 200 રૂપિયા માસિક પેન્શન આપે છે.

5.નાના કારોબારી અને વેપારીઓને રાહતની શક્યતા

તાજેતરમાં નાના કારોબારીઓને રાહત આપતા જીએસટી કાઉન્સિલે જીએસટીમાં છૂટની મર્યાદાને વધારીને 20 લાખથી 40 લાખ રૂપિયા કરી દીધા. એટલે કે 0 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા કારોબારી હવે જીએસટી હેઠળ આવશે નહીં. તેના સિવાય સૂત્રોનું માનીએ, તો નાના કારોબારીઓને સસ્તામાં લોન આપવા મામલે સરકાર વિચાર કરી રહી છે.

નાના કારોબારીઓને વ્યાજમાં બે ટકા સુધીની છૂટ મળી શકે છે. તેનો ફાયદો જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના કારોબારીઓને મળશે. તેના સિવાય નાના કારોબારીઓને મફતમાં દુર્ઘટના વીમાની પણ સરકાર સુવિધા આપી શકે છે. દુર્ઘટના વીમાની રકમ પાંચ લાખથી દશ લાખ રૂપિયા થઈ શકે છે. બધું બરાબર રહેશે, તો સરકાર વચગાળાના બજેટમાં આનું પણ એલાન કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.