યોગી આદિત્યનાથને જન્મદિનની શુભેચ્છા: એક ઝઘડાથી રાજકારણમાં પ્રવેશ અને યુપીના સીએમ પદ સુધીની રાજકીય સફર
યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન છે. યોગી આદિત્યનાથ પાંચ વખત ગોરખપુરથી સાંસદ પણ રહી ચુક્યા છે. 5મી જૂન-1972ના રોજ જન્મેલા યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બનવાની કહાની ઘણી રસપ્રદ છે.
વાત બે દશક પહેલાની છે. ગોરખપુર શહેરના મુખ્ય બજાર ગોલઘરમાં ગોરખનાથ મંદિર સંચાલિત ઈન્ટર કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક સ્ટૂડન્ટ્સ દુકાનમાં કાપડ ખરીદવા માટે ગયા અને તેમનો દુકાનદાર સાથે વિવાદ થયો હતો. દુકાનદાર પર હુમલો થયો અને તેણે રિવોલ્વર કાઢી હતી.
બે દિવસ બાદ દુકાનદાર સામે કાર્યવાહીની માગણીને લઈને એક યુવાનની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું અને તેઓ એસએસપીના મકાનની દીવાલ પર ચઢી ગયા હતા.
આ પ્રદર્શનની આગેવાની કરનારા યુવાન યોગી આદિત્યનાથ હતા. તેમણે કેટલાક સમય પહેલા જ 15મી ફેબ્રુઆરી-1994માં નાથ સંપ્રદાયના સૌથી મોટો મઠ ગોરખપુર મંદિરના ઉત્તરાધિકારી તરીકે પોતાના ગુરુ મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લીધી હતી.
ગોરખપુરની રાજનીતિમાં દુકાનદાર સાથે વિદ્યાર્થીઓના ઝઘડાની ઘટના અને બાદમાં દેખાવ અહીં રાજનીતિમાં એક એન્ગ્રી યંગ મેનની ધમાકેદાર એન્ટ્રી હતી. તે વખતે ગોરખપુરની રાજનીતિ પરથી બાહુબલી નેતાઓ હરિશંકર તિવારી અને વિરેન્દ્ર પ્રતાપ શાહીની પકડ કમજોર થઈ રહી હતી.
ગોરખપુર યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સને યોગીમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા મહંત દિગ્વિજયનાથની છબી દેખાઈ અને તેઓ તેમની સાથે જોડાવા લાગ્યા. યોગી સમયની સાથે હિંદુત્વના સૌથી મોટા ફાયરબ્રાન્ડ નેતા તરીકે ગોરખપુરમાં સ્થાપિત થઈ ચુક્યા હતા. દિલ્હી અને બિહારમાં કારમી હાર બાદ યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના દેખાવને લઈને ચિંતિત ભાજપે તેમને 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કરવાની વિચારણા પણ કરી હતી.
2016ના માર્ચમાં ગોરખનાથ મંદિરમાં થયેલી ભારતીય સંત સભાની ચિંતન બેઠકમાં આરએસએસના મોટા નેતાઓની હાજરીમાં યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જો કે યોગી આદિત્યનાથને યુપીના સીએમ તરીકે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રજૂ કરવામાં આવ્યા હતા.
ત્યારે સંતોનું કહેવું હતું કે 1992માં એક થયા તો ઢાંચો તોડી નાખ્યો. હવે કેન્દ્રમાં આપણી સરકાર છે. સુપ્રીમ કોર્ટનનો ચુકાદો આપણા પક્ષમાં આવી જાય, તો પણ રાજ્યમાં મુલાયમ અથવા માયાવતીની સરકાર હશે તો રામજન્મભૂમિ પર મંદિર નહીં બની શકે. તેના માટે આપણે યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનાવવા પડશે.
ઉત્તરાખંડના ગઢવાલના એક ગામમાંથી આવેલા અજયસિંહ બિષ્ટના યોગી આદિત્યનાથ બનતા પહેલાના જીવન સંદરભે લોકોને વધારે કંઈ ખબર નથી. માત્ર એટલી જાણકારી છે કે તેઓ હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટી ગઢવાલથી વિજ્ઞાન શાખામાં સ્નાતક છે અને તેમના પરિવારના લોકો ટ્રાન્સપોર્ટના કારોબારમાં છે.
ગોરખનાથ મંદિરમાં લોકોની ઘણી આસ્થા છે. મકરસંક્રાંતિ પર દરેક ધર્મ અને વર્ગના લોકો બાબા ગોરખનાથને ખિચડી ચઢાવવા માટે આવે છે. મહંત દિગ્વિજયનાથે આ મંદિરને 52 એકરમાં વિસ્તાર્યું હતું. તે સમયે ગોરખનાથ મંદિર હિંદુ રાજનીતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચુક્યું હતું. જેને બાદમાં મહંત અવૈદ્યનાથે આગળ વધારવાનું કામ કર્યું.
ગોરખનાથ મંદિરના મહંતની ગાદીના ઉત્તરાધિકારી બનવાના ચાર વર્ષમાં જ મહંત અવૈદ્યનાથે યોગીને પોતાના રાજકીય વારસદાર પણ બનાવી દીધા હતા. જે ગોરખપુર બેઠક પરથી મહંત અવૈદ્યનાથ ચાર વખત સાંસદ રહ્યા હતા, તે બેઠક પરથી યોગી આદિત્યનાથ 1998માં 26 વર્ષની વયે લોકસભામાં પહોંચ્યા હતા.
તેઓ પહેલી ચૂંટણી 26 હજાર વોટથી, 1999ની ચૂંટણી 7322 વોટની સરસાઈથી જીત્યા હતા. મંડલ રાજનીતિના ઉભારને કારણે તેમની સામે ગંભીર રાજકીય પડકારો પણ ચર્ચાવા લાગ્યા હતા.
યોગી આદિત્યનાથે સાંસ્કૃતિક સંગઠન હિંદુ યુવા વાહિનીની રચના કરી હતી. તે ગ્રામ રક્ષા દળ તરીકે હિંદુ વિરોધી, રાષ્ટ્રવિરોધી અને માઓવાદી વિરોધી ગતિવિધિઓનું નિયંત્રણ કરે છે.
હિંદુ યુવા વાહિની પર ગોરખપુર, દેવરિયા, મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગરથી લઈને મઉ, આઝમગઢ સુધી કોમી હુમલા અને હુલ્લડ ભડકાવવાના આરોપો સાથેના ડઝનબંધ કેસ નોંધાયેલા છે. યોગી આદિત્યનાથ પર પણ હત્યાની કોશિશ, હુલ્લડ કરવા, સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવું, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી, ધર્મસ્થાનને ક્ષતિ પહોંચાડવી જેવા આરોપોમાં ત્રણ કેસ નોંધાયેલા છે. હિંદુ યુવા વાહિનીના પ્રભાવ હેઠળ ગોરખપુર બેઠક પરથી યોગીની જીતનું અંતર વધવા લાગ્યું અને 2014માં તેઓ ત્રણ લાખથી વધુ વોટની સરસાઈથી જીત્યા હતા.
મહારાજગંજ જિલ્લામાં પંચરુખિયા કાંડ થયો હતો. જેમાં યોગી આદિત્યનાથના કાફલામાંથી ગોળીબાર થયો હતો અને તેમા સમાજવાદી પાર્ટીના નેતા તલત અઝીઝીના સરકારી ગનર સત્યપ્રકાશ યાદવનું મોત નીપજ્યું હતું.
રાજ્યમાં કલ્યાણસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી. મામલો સીબીસીઆઈડીને સોંપવામાં આવ્યો અને તેણે તપાસમાં યોગીને ક્લિનચિટ આપી હતી. પરંતુ તલત અઝીઝ હજી અડગ છે અને કેસ હજી ચાલી રહ્યો છે.
કુશીનગર જિલ્લામાં 2002માં મોહન મુંડેરા કાંડ થયો હતો. જેમાં એક યુવતી સાથે કથિતપણે બળાત્કારની ઘટનાને કારણે ગામના લઘુમતીઓના 47 મકાનોની આગચંપી કરવામાં આવી હતી. પરંતુ આમા યોગીની વિરુદ્ધ રિપોર્ટ દાખલ થયો ન હતો અને કોઈ કાર્યવાહી પણ થઈ ન હતી.
2002માં ગુજરાતની ઘટનાઓ પર હિંદુ યુવા વાહિનીએ ગોરખપુર બંધ કરાવ્યું હતું અને ટાઉનહોલમાં સભા પણ કરી હતી. ગોરખપુર મેં રહેના હૈ તો યોગી – યોગી કહેના હૈનું સૂત્ર પ્રચારીત થયું હતું. બાદમાં યોગીના રાજકીય કદના વધાવાની સાથે સૂત્ર બદલાતું ગયું. બાદમાં સૂત્ર આવ્યું કે પૂર્વાંચલ મેં રહેના હૈ, તો યોગી-યોગી કહેના હૈ. યોગી યુપીના સીએમ બન્યા બાદ સૂત્રમાં ફેરફાર કરાયો કે યુપી મેં રહેના હૈ, તો યોગી-યોગી કહેના હૈ.
જાન્યુઆરી-2007માં
એક યુવકની હત્યા બાદ હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા સૈયદ મુરાદ અલી શાહની
મજારમાં આગચંપી કરવામાં આવી હતી. જેને કારણે પ્રશાસને અહીં કર્ફ્યૂ લાગુ કર્યો
હતો. રોક છતાં યોગીએ સભા અને ભાષણ કર્યા હતા. જેને કારણે તેમને 28 જાન્યુઆરી –
2007ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
યોગીને એરેસ્ટ કરનારા ડીએમ અને એસપીને બે દિવસ બાદ જ મુલાયમ સરકારે સસ્પેન્ડ કર્યા
હતા.
યોગીની ધરપકડ બાદ ઘણાં જિલ્લામાં હિંસા, તોડફોડ, આગચંપીની ઘટનાઓ થઈ, જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. પહેલીવાર પોલીસે હિંદુ યુવા વાહિની પર થોડી કડકાઈ કરી હતી. જેનું વર્ણન કરતા યોગી લોકસભામાં રડી પડયા હતા.
2007માં ધરપકડે તેમની અને હિંદુ યુવા વાહિનીની ઉગ્રતામાં થોડો ઘટાડો લાવી દીધો હતો. હવે તેઓ દરેક ઘટના પર સ્થળ પર જઈને પોતાના હિસાબથી ન્યાયની જીદ કરી રહ્યા નથી. જો કે આજે પણ તેઓ લવજિહાદ, ઘરવાપસી, ઈસ્લામિક આતંકવાદ, માઓવાદ પર હિંદુ સંમેલનોના આયોજન કરીને ગરજે છે.
નેપાળમાં રાજતંત્રની સમાપ્તિ અને તેના સેક્યુલર થવા પર તેઓ દુખ વ્યક્ત કરી ચુક્યા છે. નેપાળની એકતા માટે રાજશાહીની તેમણે તરફદારી પણ કરી છે. મંદિર દ્વાર ચલાવવામાં આવતી ત્રણ ડઝનથી વધારે શૈક્ષણિક-આરોગ્યલક્ષી સંસ્થાઓના તેઓ અધ્યક્ષ અથવા સચિવ છે.
યોગી આધિત્યનાથ એક મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવા માંગે છે. મંદિરનિ મિલ્કતો ગોરખપુર, તુલસીપુર, મહારાજગંજ અને નેપાળમાં પણ છે.
યોગીના મીડિયા પ્રભારી હિંદુ યુવા વાહિની પર કોમવાદી ધ્રુવીકરણના આરોપોને રદિયો આપે છે. લોકો યોગીમાં દિગ્વિજયનાથના તેવર અને મહંત અવૈદ્યનાથના સામાજિક સેવા કાર્યનું મિશ્રણ જોવે છે. ગોરખનાથ મંદિરના સામાજિક કાર્યોની જનતા પર ઘણી મોટી અસર છે. યોગીએ હિંદુ યુવા વાહિની સિવાય વિશ્વ હિંદુ મહાસંઘ સાથે પણ પોતાના લોકોને જોડી રાખ્યા છે.
હિંદુ યુવા વાહિનીના અસંતોષને યોગીએ ખાસો નિયંત્રિત કર્યો હતો. 2017માં પૂર્વાંચલમાં ભાજપને ઘણી સફળતા મળી હતી. તેના પહેલાના 17 વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા દશથી વધારે રહી ન હતી.
2019ની લોકસભામાં પણ પૂર્વાંચલમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. તેમને યુપીમાં હિંદુ પુનર્જાગરણના મહાનાયક અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રતિક ગણાવાયા હતા.