કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલો રાજકીય હિંસાનો તબક્કો થંભવાનું નામ લઈ રહ્યો નથી. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ભાજપ બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ બંગાળ ગુજરાત નથી. મમતા બેનર્જીએ મંગળવારે કોલકત્તામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે હું રાજ્યપાલનું સમ્માન કરું છું, પરંતુ દેરક પદની પોતાની બંધારણીય મર્યાદા હોય છે. બંગાળને બદનામ કરાઈ રહ્યું છે. જો તમે બંગાળ અને તેની સંસ્કૃતિને બચાવવા માંગો છો, તો સાથે આવો. બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ થઈ રહી છે. બંગાળ ગુજરાત નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું છે કે અમારી પાસે દસ્તાવેજોમાં બધું છે. અમે જાણીએ છીએ કે તેમણે વિદ્યાસાગરની મૂર્તિને તોડી. હવે તેઓ ગૃહ પ્રધાન છે. તમે ભગવા પહેરવાથી ભગવાધારી બની શકો નહીં. આ એક સંસ્કૃતિ છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે ટીએમસી 34 વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી છે. પરંતુ અમે લેનિન અથવા માર્ક્સની અથવા અન્ય કોઈ મૂર્તિ તોડી નથી. મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમને ખબર છે કે આ પ્રતિમા કોણે તોડી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તે જેલમાં જવાથી ડરતા નથી, ન તો તેઓ કોઈ રાજકીય વ્યક્તિથી ડરે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યુ છે કે તેઓ ગુજરાતની વિરુદ્ધ નથી, પરંતુ તે હુલ્લડખોર વિરુદ્ધ છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે યુપીમાં 25 લોકો મર્યા છે. પરંતુ તેની કોઈ ચર્ચા નથી. મમતા બેનર્જીએ પડકારજનક લહેજામાં કહ્યું છે કે જો કોઈપણ બંગાળ અને બંગાળીઓની ભાવના તથા ત્યાંની સંસ્કૃતિને નુકસાન પહોંચાડશે તો તેને તેઓ છોડશે નહીં.