1.76 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી આઈટી કંપની વિપ્રોના મેનેજમેન્ટમાં મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. વિપ્રોના એક્ઝિક્યૂટિવ ચેરમેન અજીમ પ્રેમજીએ પોતાના રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. તેમના પછી હવે પુત્ર રિશદ પ્રેમજી એક્ઝિક્યૂટિવ ચેરમેનનું પદ સંભાળશે. વિપ્રોની બોર્ડ બેઠકમાં આના પર મંજૂરીની મ્હોર લાગી ગઈ છે. કંપનીએ અઝીમના પુત્ર રિશદ પ્રેમજીને આગામી પાંચ વર્ષ માટે એક્ઝિક્યૂટિવ ચેરમેન પદ પર નિયુક્ત કર્યા છે. રિશદ હવે વિપ્રો સમૂહની જવાબદારી સંભાળશે. તેમની નિયુક્તિ 31 જુલાઈથી પ્રભાવી બનશે.
કોણ છે રિશદ પ્રેમજી?
2007માં રિશદ વિપ્રોમાં સામેલ થયા હતા. વિપ્રોમાં કામ શરૂ કરતા પહેલા તેઓ બેવ કંપની લંડનમાં કામ કરતા હતા. તેમણે જીઈ કેપિટલ સાથે પણ કામ કર્યું છે. રિશદ પ્રેમજીએ હૉવર્ડ બિઝનસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. 2014માં તેમને વર્લ્ડ ઈકોનોમિક ફોરમે યંગ ગ્લોબલ લીડરનો એવોર્ડ આપ્યો હતો. રિશદ આઈટી કંપનીઓના સંગઠન નેસ્કોમના ચેરમેન પણ રહી ચુક્યા છે.
રિશદ વિપ્રો તરફથી ચલાવવામાં આવતા સામાજિક અને શૈક્ષણિક કામકાજને પણ જોતા રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રિશદ વિપ્રોમાં યંગ પ્રોફેશનલ્સને વધારે ઈન્સેન્ટિવ આપવાના પક્ષમાં રહે છે. તેઓ આમ કરીને કંપની સાથે શ્રેષ્ઠ લોકોને જોડી રાખવા ચાહે છે.
રિશદના પિતા અઝીમ પ્રેમજીનો જન્મ 29 ડિસેમ્બર, 1945ના રોજ થયો હતો. તેમના દાદા જાણીતા ચોખાના વેપારી હતા. પ્રેમજીનું બાળપણ મુંબઈમાં પસાર થયું હતું.
અઝીમ પ્રેમજીના પિતા મોહમ્મદ હુસૈન હશમ પ્રેમજી પણ કારોબારી હતા. અઝીમના માતા ગુલાબાનૂએ મેડિકલની ડિગ્રી પણ લીધી હતી. પરંતુ તેઓ પ્રેક્ટિસ કરતા ન હતા. હશમ પ્રેમજીએ મહારાષ્ટ્રના અમલનેરમાં ફેક્ટરી ચાલુ કરી હતી. ત્યાં વનસ્પતિ તેલ, સાબુ વગેરેનું ઉત્પાદન કરતા હતા.
પ્રેમજીનો પરિવાર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા પણ ગુજરાતી મુસ્લિમ હતા. જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે ઝીણાએ હશમ પ્રેમજીને પાકિસ્તાનમાં વસવાટ કરવા માટે આમંત્રિત કર્યા હતા. ઝીણાએ તેમને પાકિસ્તાનના નાણાં પ્રધાન બનવાની પેશકશ કરી હતી. પરંતુ હશમ પ્રેમજીએ પોતાની જન્મભૂમિ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને તેમણે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો હતો.