હુગલી: પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણો સમાપ્ત થતા દેખાઈ રહ્યા નથી. તાજેતરની ઘટના હુગલીની છે. જ્યાં જયશ્રીરામના સૂત્રોચ્ચારને લઈને ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ અહીં પહોંચી છે. કેટલાક લોકોએ પોલીસ પાસેથી હથિયાર છીનનવાની કોશિશ પણ કરી છે. આ ઘટનાક્રરમમાં એક શખ્સને ગોળી વાગી છે.
રિપોર્ટ્સ પ્રમાણે, હુગલી બાથનગોરા આશપારા ગામમાં ભાજપના એક કાર્યકર્તા શાધોન બાઉલનો આરોપ છે કે તેમના જય શ્રીરામના સૂત્રોચ્ચારને કારણે ટીએમસીના કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા અને તેમની સાથે મારામારી કરી હતી.ઘાયલ બાઉલને હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા, બાદમાં ભાજપ-ટીએમસીના કાર્યકર્તાઓ એકબીજાની સાથે ઘર્ષણમાં ઉતરતા તણાવનો માહોલ પેદા થઈ ગયો છે.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પહોંચેલી પોલીસ પર ભીડે હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પોલીસકર્મીઓની સર્વિસ રિવોલ્વર છીનવવાની પણ કોશિશ કરી હતી. તે વખતે ચાલેલી એક ગોળી એક વ્યક્તિને છાતીમાં વાગી હતી. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. હાલ તે ખતરાથી બહાર છે.
જો કે ગોળી કોણે ચલાવી તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસનો આરોપ છે કે બેકાબુ ભીડની રિવોલ્વર છીનવવાની કોશિશ દરમિયાન ગોળી ચાલી હતી.