સંસદના બંને ગૃહોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને હંગામો ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યસભામાં કેટલાક સાંસદોના કાર્યકાળનો આખરી દિવસ હતો. રાજ્યસભામાં વિદાઈ ભાષણ વખતે એક સાંસદ ભાવુક થઈ ગયા હતા. AIADMKના સાંસદ વાસુદેવન મૈત્રેયન પોતાના સંબોધન દરમિયાન ભાવુક થઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે ગૃહને અપીલ કરી કે તેમના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવે નહીં.
જ્યારે સાંસદ મૈત્રેયન પોતાના વિદાય ભાષણ માટે ગૃહમાં ઉભા થયા, ત્યારે તેમણે પોતાના કાર્યકાળની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગૃહમાં 14 વર્ષથી વધુની સફર આજે સમાપ્ત થઈ રહી છે. આટલું કહેતા તેઓ ભાવુક થઈ ગયા અને ગૃહમાં જ રડી પડ઼યા હતા.
તે વખતે તેમણે ઘણાં સાથીદારોનો આભાર માન્યો હતો. સંસદમાં તેમણે ક્હયુ કે આજે વિદાય લેતી વખતે પોતાના ખાસ મિત્ર અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માને છે.
તેમણે કહ્યુ કે જ્યારે 2009માં શ્રીલંકામાં ઘણાં તમિલ લોકોના મોત નીપજ્યા, ત્યારે રાજ્યસભામાં શોક વ્યક્ત કરવામાં આવ્યો ન હતો. તેનાથી મને ઘણી તકલીફ થઈ હતી. માટે હું ગૃહને અપીલ કરું છું કે મારા મારવા પર પણ ક્યારેય ગૃહમાં કોઈ શોક પ્રસ્તાવ લાવવામાં આવે નહીં.
વી. મૈત્રેયને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને પોતાની પાર્ટીના નેતાઓનો પણ આભાર માન્યો હતો. તેની સાથે વિભિન્ન પક્ષોના વરિષ્ઠ સાંસદોને પણ તેમણે ધન્યવાદ કહ્યા હતા. તેમણે સચિવાલયના કર્મચારીઓનો પણ સમયસર મદદ કરવા બદલ આભાર માન્યો હતો. તેની સાથે જ તેમણે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતાને પણ યાદ કર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે બુધવારે રાજ્યસભામાંથી કુલ પાંચ સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે. તેમા ડી. રાજા, વી. મૈત્રેયન, કે. આર. અર્જુન, આર. લક્ષ્મણ અને ટી.રત્નેવેલનો સમાવેશ થાય છે.