- અમેરિકામાં કોવિડ સેલ્ફ કીટને મળી મંજૂરી
- અડધા કલાક અથવા તેનાથી ઓછા સમયમાં મળશે રીઝલ્ટ
- 14 વર્ષથી વધુ વયના લોકો કીટ દ્વારા પોતાનો ટેસ્ટ કરી શકશે
ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાએ મંગળવારે પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કીટને મંજૂરી આપી દીધી છે. આ કીટથી તમે તમારા ઘરે કોવિડ ટેસ્ટ કરી શકો છો. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કહ્યું કે, આ કીટ લ્યૂકિરા હેલ્થ દ્વારા કરવામાં આવી છે અને તમે તેને ઈમરજન્સી દરમિયાન વાપરી શકો છો. તો સાથે કહ્યું કે, અત્યારે પ્રિસ્ક્રિપ્શનના આધાર પર જ લ્યૂકિરા ટેસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય તેનો ઉપયોગ ડોકટરોના ઓફીસ,હોસ્પિટલો અને ઇમરજન્સી રૂમમાં કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
લ્યૂકિરા ટેસ્ટ કીટથી તમે ખુદ તમારા નાકમાંથી પ્રવાહીનું સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકો છો. ટેસ્ટનું રીઝલ્ટ અડધા કલાક અથવા તેનાથી ઓછા સમયમાં આવી જશે. આ ઉપરાંત રીઝલ્ટ એ જ કીટના ડિસ્પ્લે પર પણ દેખાશે. આ પહેલી એવી કીટ છે કે, જેને તમે ખુદ ચલાવી શકો છો અને તમે અડધા કલાકથી ઓછા સમયમાં પરિણામ જોઈ શકશો. 14 વર્ષ કે તેથી વધુ વયના લોકો આ કીટ દ્વારા પોતાનો કોરોના ટેસ્ટ કરી શકે છે, જ્યારે 14 વર્ષથી ઓછી વયના બાળકોના ટેસ્ટ માટે સેમ્પલ હેલ્થ વર્કર જ લેશે.
અમેરિકામાં સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી છે. અહીં સૌથી વધુ પોઝીટીવ અને એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં એક કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.જેમાંથી 70 લાખથી વધુ લોકો સાજા થઇ ચુક્યા છે. જો કે અઢી લાખથી વધુ લોકોને આ બીમારીથી મોત નિપજ્યા છે.
જો આપણે આપણા દેશ ભારતની વાત કરીએ તો કોરોનાવાયરસના કેસો 89 લાખની પાર પહોંચી ગયા છે. જો કે,થોડી રાહતની વાત છે કે, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસ સતત 50 હજારની નીચે આવી રહ્યા છે. હવે 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી વધુ 474 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 30 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.
_Devanshi