બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ સુધીરકુમાર મિશ્રાએ કહ્યુ છે કે 500 કિલોમીટર સુધીની વિસ્તારીત રેન્જ સાથે સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલનું ઉન્નત સંસ્કરણ તૈયાર છે. મિશ્રાએ રવિવારે દૂરદર્શન પર પ્રસારીત એક મુલાકાતમાં કહ્યુ છે કે આ મિસાઈલની સીમાને લંબાવવી શક્ય છે, કારણ કે ભારત હવે મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ સિસ્ટમ (એમટીસીઆર)નો હિસ્સો છે.
તેમણે કહ્યુ છે કે ભારતે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસના વર્ટિકલ ડીપ ડાઈવ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને હવે અમે પરંપરાગત યુદ્ધની ગતિશીલતા બદલી શકીએ છીએ. 500 કિલોમીટર સુધીની લંબાવામાં આવેલી રેન્જ સાથે સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલનું ઉન્નત સંસ્કરણ તૈયાર છે.
તેમણે કહ્યુ છે કે બ્રહ્મોસ મિસાઈલને ભારતીય વાયુસેનાના સુખોઈ-30 યુદ્ધવિમાન દ્વારા પરીક્ષણ કરાયા બાદ ફાઈટર જેટ્સ પર લાંબા અંતરની મિસાઈલોને એકીકૃત કરનારું ભારત દુનિયામાં એકમાત્ર દેશ છે.
સરકારી પ્રસારણકર્તા દ્વારા જાહેર એક વિજ્ઞપ્તિ પ્રમાણે, મિશ્રાએ કહ્યુ છે કે બ્રહ્મોસ સેના, નૌસેના અને વાયુસેનાની પસંદની બની ચુકીછે અને 90 ડિગ્રી સંસ્કરણ લક્ષ્યને ભેદનાર એક મહત્વપૂર્ણ વિમાનવાહક છે. તેમણે કહ્યુ છે કે બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા વિકસિત કરવામાં આવેલી તકનીકો આના પહેલા ભારત અથવા રશિયામાં હાજર ન હતી. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયાની સરકારોના માલિકીવાળું એક સંયુક્ત ઉપક્રમ છે અને તેની મિસાઈલોનું નિર્માણ ભારતમાં કરવામાં આવે છે.