યોગી સરકારે દૈનિક 1000 રૂપિયા કર્યું અયોધ્યાના રામલલાનું ભથ્થું, પૂજારીના વેતનમાં પણ વધારો
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અયોધ્યામાં રામલલાના વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામજન્મભૂમિ પર અસ્થાયી મંદિરના પૂજારી અને અન્ય આઠ કર્મચારોના પણ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાના વસ્ત્ર, સ્નાન, પ્રસાદની સાથે જ મંદિરની વીજળી અને પાણીની આપૂર્તિ પર વેતનની રકમ ખર્ચ કવામાં આવશે. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ મિશ્રા પ્રમાણે, રામલલાને મળનારું ભથ્થું 26200થી વધારીને 30 હજાર રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યું છે. મંદિરના સંરક્ષક પૂજારી સત્યેન્દ્રદાસને હવે 13 હજાર રૂપિયા પ્રતિ માસ વેતન આપવામાં આવશે.
મિશ્રા પ્રમાણે, મંદિરના આઠ અન્ય પૂજારીઓના વેતનમાં પણ 500 રૂપિયા પ્રતિ માસનો વધારો કરવામાં આવ્યો છે. આ પૂજારીઓના વેતન 7500થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે. સરકારે રામલલાને લગાવવામાં આવતા ભોગના ભથ્થામાં પ્રતિ માસ આઠસો રૂપિયાનો વધારો કર્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસને 1992માં 150 રૂપિયા પ્રતિ માસની રકમ મળતી હતી. 2017માં તેમને 8480 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવતા હતા. દાસનું કહેવું છે કે 1992 બાદથી આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. તેમણે કહ્યુ છે કે સરકાર તરફથી વેતન વધારાની માહિતી તેમને પાંચ દિવસ પહેલા જ પ્રાપ્ત થઈ છે.
મુખ્ય પૂજારીએ કહ્યુ છે કે અમે આ વર્ષે જુલાઈમાં સરકાર પાસેથી પૂજાનો સામાન અને દૈનિક ખર્ચની રકમમાં વધારો કરવાની માગણી કરી હતી. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ મિશ્રાએ કહ્યુ છે કે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં રામમંદિર સાથે જોડાયેલી સુનાવણીને પ્રભાવિત કરવાના પ્રયાસ તરીકે જોવો જોઈએ નહીં.
તેમણે કહ્યુ છે કે કેસમાં યથાસ્થિતિ સાથે છેડછાડ કર્યા વગર તેઓ જે કરી શકતા હતા, તે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ સુપ્રીમ કોર્ટે અસ્થાયી મંદિર પરિસર અને રામ લલાની દેખરેખ માટે એક કેરટેકર પૂજારીની નિયુક્તિ કરી હતી.