અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીના ટંકારામાં 270, ઉમરપાડામાં 256, મોરબીમાં 249, બહુચરાજીમાં 224 અને પાટણના સરસ્વતીમાં 209 મીમી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. મોરબીના ટકંરામાં સવારે માત્ર બે કલાકમાં જ ઈંચ જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો હતો. મધ્યપ્રદેશની આસપાસ સર્જાયેલા લો-પ્રેશર અને અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં 775 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે 188 ટકા વરસાદ વરસ્યો છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં 628 મીમી એટલે કે 25 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 87.44 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 647 મીમી એટલે કે 26 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે કે સિઝનનો 78.98 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 913 મીમી એટલે કે 36 ઈંચથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. આમ સૌરાષ્ટ્રમાં સિઝનનો 134 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 1305 મીમી એટલે કે 52 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. એટલે કે 90 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 853 મીમી એટલે કે 34 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ વરસ્યો છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે જનજીવનને પણ અસર થઈ છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં લગભગ 68 ડેમ છલકાયાં છે. જ્યારે 42 ડેમમાં 90થી 100 ટકા, 14 ડેમમાં 80થી 90 ટકા, 17 ડેમમાં 70થી 80 ટકા પાણી ભરાયાં છે.