બ્રિટનની કોર્ટે ભાગેડું વિજય માલ્યાની પ્રત્યાર્પણ રોકવાની માગણી કરતી અરજી કરી નામંજૂર
ફરાર દારૂના કારોબારી વિજય માલ્યાને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનની કોર્ટે પ્રત્યાર્પણ રોકનારી અરજી નામંજૂર કરી છે. હવે માલ્યાની ભારતમાં પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે. માલ્યાનું લેખિત નિવેદન નામંજૂર થઈ ગયું છે. તેને મૈખિક નિવેદન આપવા માટે અડધા કલાકનો સમય આપવામાં આવશે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, માલ્યાની પાસે હજીપણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. તેમા છ સપ્તાહનો સમય લાગવાની સંભાવના છે. માલ્યા પર છેતરપિંડી, મની લોન્ડ્રિંગ અને ફેમા નિયમો હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. આના પહેલા યુકેની કોર્ટે ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. બેંક વિજય માલ્યાની આઈસીઆઈસીઆઈ બેંક યુકે પીએલસી એકાઉન્ટમાં જમા અઢી લાખ પાઉન્ડની જપ્તી પણ ઈચ્છે છે.
માલ્યા હાલ લંડનમાં વસવાટ કરી રહ્યો છે. તેની વિરુદ્ધ ટ્રાયલ 4 ડિસેમ્બર-2017થી ચાલી રહી હતી. ડિસેમ્બરમાં માલ્યા પર ચીફ મેજીસ્ટ્રેટ જજ એમ્મા અર્બુથનોટે ચુકાદો આપ્યો હતો. માલ્યા પર 13 બેંકોના નવ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ રકમ તેની એરલાઈન્સ કિંગફિશર માટે કર્જ તરીકે લેવામાં આવી હતી.
માલ્યા ભારતમાંથી 2 માર્ચ-2016થી બહાર છે. આ આખા મામલામાં સીબીઆઈ અને ઈડીએ મોટી ભૂમિકા નિભાવી છે. કોર્ટે વિજય માલ્યા કઈ જેલમાં રહેશે તેનો વીડિયો પણ મંગાવ્યો હતો. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સની 2005માં શરૂઆત કરી હતી. આ એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ હતી.