નવી દિલ્હી: બિહારમાં ચમકી તાવ એટલે કે મગજના તાવથી બાળકોના મોતના મામલે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટ ઝડપથી સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે આ મામલાની સુનાવણી સોમવારે થશે. અત્યાર સુધીમાં મગજના તાવથી બિહાર ખાતે 112 બાળકોના મોત થઈ ચુક્યા છે. આ મામલામાં બે વકીલોએ જાહેરહિતની અરજીઓ દાખળ કરી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર અને બિહાર સરકારને 500 આઈસીયૂ સ્થાપિત કરવા અને મેડિકલ એક્સપર્ટ ટીમ મોકલવાનો નિર્દેશ કરવામાં આવે. તેની સાથે જ 100 મોબાઈલ આઈસીયૂ મુઝફ્ફરપુર મોકલવામાં આવે અને મેડિકલ બોર્ડ બનાવવામાં આવે.
બિહારમાં મગજના તાવના કેરથી હાહાકારની સ્થિતિ છે. મંગળવારે મુખ્યપ્રધાન નીતિશ કુમારે મગજના તાવથી મોતનો સિલસિલો શરૂ થયાના 20 દિવસ બાદ મંગળવારે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. અહીં સેંકડો લોકોએ તેમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ દ્વારા અત્યાર સુધીમાં 112 બાળકોએ જીવ ગુમાવ્યા છે.
લોકોએ વિરોધ પ્રદર્શન શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની બહાર કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી પહોંચ્યા હતા. સુવિધાઓની ઉણપ અને ખરાબ સારવારને લઈને દેખાવકારોએ નીતિશ ગો બેકના સૂત્રો પોકાર્યા હતા. નીતિશ કુમાર અને સુશીલ મોદીએ હોસ્પિટલમાં ભરતી બાળકો અને તેમના સગા-સંબંધીઓની મુલાકાત લીધી હતી. જો કે દેખાવ કરી રહેલા લોકો સાથે વાત કર્યા વગર જ નીતિશકુમાર અને સુશીલ મોદી અહીંથી ચાલ્યા ગયા હતા.
ચમકી તાવ મગજનો તાવ છે. આ એક ચેપી બીમારી છે. તેના વાયરસ શરીરમાં પહોંચતા જ લોહીમાં સામેલ થઈને પોતાની પ્રજનન ક્રિયા શરૂ કરી દે છે. શરીરમાં આ વાયરસની સંખ્યા વધવાથી તે લોહીની સાથે મળીને મસ્તિષ્ક સધી પહોંચે છે. મસ્તિષ્કમાં પહોંચ્યા બાદ આ વાયરસ કેશિકાઓમાં સોજો પેદા કરી દે છે. તેના કારણે શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ થઈ જાય છે. મગજના તાવમાં બાળકોને ખૂબ તાવ ચઢે છે. શરીરમાં દુખાવા સાથે દાંત કકડે છે. રીરમાં નબળાઈને કારણે બાળક વારંવાર બેભાન થતું રહે છે. શરીરમાં કંપનની સાથે વારંવાર આંચકી આવતી રહે છે. ત્યાં સુધી કે શરીર પણ સુન્ન પડી જાય છે.