ટ્રિપલ તલાક બિલ Live Updates: લોકસભામાં ચર્ચા શરૂ, ખરડો સિલેક્ટ કમિટીને મોકલવાની વિપક્ષની માગણી
મોદી સરકારે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. આ બિલ પર ચર્ચાની શરૂઆત કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ઈસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકને લઈને પરિવર્તનો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે ટ્રિપલ તલાકના મામલામાં ન્યાય અપાવીને રહીશું.
રવિશંકર પ્રસાદે એકસૂરમાં ગૃહમાંથી ટ્રિપલ તલાક બિલને મંજૂર કરવાની વાત કહી છે. તો વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગણી જોરશોરથી ઉઠાવી છે. આ બિલ પર ચર્ચા બાદ તેને લોકસભામાંથી પારીત કરવામાં આવે તેવી આશા છે. આ પહેલા ભાજપે બિલ પર ચર્ચા દરમિયાન હાજરી માટે પોતાના સાંસદોને વ્હીપ જાહેર કરી હતી. વિપક્ષી દળ કોંગ્રેસની સાથે જ એનડીએના સાથી પક્ષ જેડીયુએ આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
યુપીએએ સાથીપક્ષો સાથે ચર્ચાવિચારણા બાદ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે કાશ્મીર મુદ્દા પર ટ્રમ્પના નિવેદનથી ધ્યાન હટાવવા માટે સંસદમાં આ બિલ રજૂ કરી રહી છે. પ્રસ્તાવિત બિલમાં એક સાથે ત્રણ તલાક બોલીને છૂટાછેડા આપવાને ગુનો ઘોષિત કરવામાં આવ્યો છે.
તેમા દોષિતને સજાની પણ જોગવાઈ છે. આના પહેલા બીજી વખત સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની સરકારે આ બિલના મુસદ્દાને રજૂ કર્યો હતો. વિપક્ષે આ બિલનો આકરો વિરોધ કર્યો હતો. બીજી તરફ સરકાર આ બિલને લૈંગિક સમાનતા અને ન્યાયની દિશામાં પગલું ગણાવી રહી છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ટ્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું છે. તેમણે ક્હ્યુ છે કે સું આપણે આપણી મુસ્લિમ બહેનોને આમ જ છોડી શકીએ. તેમણે કહ્યુ છે કે લૈંગિક સમાનતા કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.
કોંગ્રેસના નેતા પી. એલ. પુનિયાએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતા કહ્યુ છે કે આ ખરડો પરિવારોને તોડનારો છે.
તો કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ છે કે સરકાર આ બિલને જરૂરી બદલાવ બાદ ફરીથી રજૂ કરી રહી છે.
લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે આ બિલનાં હાલના સ્વરૂપથી તેઓ સંમત નથી. વિપક્ષી દળ બિલમાં ટ્રિપલ તલાક આપવા પર અપરાધી ઠેરવતી જોગવાઈઓ પર સંમત નથી.
મહત્વપૂર્ણ છે કે ગુરુવારેલોકસભામાં ટ્રિપલ તલાક સિવાય અન્ય બે બિલ રજૂ થશે. જેમાં આંતરરાજ્ય જળ વિવાદ સંશોધન બિલ-2019, નેશનલ મેડિકલ કમિશન બિલ-2019, ડીએનએ ટેક્નોલોજી યૂઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન બિલ-2019ને રજૂ કરવામાં આવશે. તો રાજ્યસભામા આરટીઆઈ સંશોધન બિલ – 2019 અને દેવાળિયા અને દેવાળિયાપણા કોડ સંશોધન બિલ 2019ને રજૂ કરવામાં આવશે.
કોંગ્રેસના સાંસદ કે. સુરેશે કહ્યુ છે કે જ્યાં સુધી ટ્રિપલ તલાક બિલની વાત છે, તેના આપરાધિક ક્લોઝનો પોલીસ અને સરકાર દ્વારા દુરુપયોગ થઈ શકે છે. માટે અમે આ બિલનો કડક વિરોધ કરીશું.
આ પહેલા કોંગ્રેસના સાંસદ સુરેશે કહ્યુ હતુ કે સરકારે વિપક્ષને જાણકારી આપ્યા વગર બુધવારે રાત્રે ટ્રિપલ તલાક બિલને આજના એજન્ડામાં લિસ્ટ કરાવી દીધું.
એનડીએના સહયોગી દળ જેડીયુએ સરકાર તફથી રજૂ કરવામાં આવેલા ટ્રિપલ તલાક બિલના વિરોધનો નિર્ણય કર્યો છે. જેડીયુનું કહેવું છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવે. પાર્ટીનું કહેવું છે કે ટ્રિપલ તલાકના અપરાધીકરણ થયા બાદ પીડિત મહિલાઓની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.