ગીરમાં સિંહદર્શનનો આરંભ બાદ સાવજોની પજવણીની ઘટના આવી સામે, વીડિયો થયો વાયરલ
અમદાવાદઃ સમગ્ર ભારતમાં એશિયાટીક લાયનનું ઘર ગણાતા ગીરમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉન બાદ તાજેતરમાં જ પ્રવાસીઓ માટે સિંહદર્શનનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે સાવજોની પજવણીનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર ધારી રેવન્યુ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવાનો સાવજોની પજવણી કરતા હોવાનું સામે આવ્યું હતું. જંગલ વિસ્તારમાં સિંહ પરિવાર આરામ કરી રહ્યો હતો ત્યારે કેટલાક યુવાનો સાવજોની નજીક પહોંચી ગયા હતા. ત્યારે કેટલાક લોકોએ અવાજ નહીં કરવા માટે યુવાનોને ભલામણ કરી હતી. બીજી તરફ હાજર લોકો સાવજોના વીડિયો લેવામાં વ્યસ્ત હોવાનું જાણવા મળે છે. ધારી ગીરના રેવન્યુ વિસ્તારનો સિંહ પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયો સામે ધારી ગીર પૂર્વના DCF અંશુમન શર્માએ તપાસના આદેશ આપ્યા છે. વન વિભાગની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ધારીના ડાંગાવદરનો વીડિયો હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે 7 લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે, ગીરમાં સાવજોની પજવણીના વીડિયો અવાર-નવાર સામે આવે છે. ત્યારે ગીરમાં પ્રવાસીઓને સિંહદર્શનની મંજૂરી બાદ સાવજોની પજવણીનો વધુ એક વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.