MLA-કાઉન્સિલર્સના ભાજપમાં સામેલ થવા પર TMCએ કહ્યું- બંદૂકના નાળચે કરાવ્યો પક્ષબદલો
ગયા અઠવાડિયે પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટીના આ ઐતિહાસિક પ્રદર્શન પછી મમતા બેનર્જીના ગઢમાં રાજકીય હલચલ મચી ગઈ છે. રાજ્યના 3 ધારાસભ્યો સહિત 50 કાઉન્સિલરો બીજેપીમાં સામેલ થયાના એક દિવસ પછી સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ દ્વારા પોતાની ભડાશ કાઢતા કહ્યું કે બંદૂકના નાળચે તેમને સામેલ કરવામાં આવ્યા છે.
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીના પરિણામોના 4 દિવસ પછી એક બીજો મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેમના 2 ધારાસભ્યો અને સીપીએમનો 1 ધારાસભ્ય બીજેપીમાં સામેલ થઈ ગયા. આ સાથે જ ટીએમસીના 50થી વધુ કાઉન્સિલર્સ પણ બીજેપીમાં સામેલ થઈ ગયા.
રાજ્યના રાજકારણમાં આ ઉલટફેર પછી સત્તારૂઢ ટીએમસીએ આજે બુધવારે ટ્વિટ કરીને બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે કાલે ટીએમસીનો એક સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્ય બીજેપીમાં સામેલ થયો, જ્યારે 2 અન્ય ધારાસભ્યો કોંગ્રેસ અને સીપીઆઇ (એમ)ના છે. કાઉન્સિલર્સની સંખ્યા 6 જ છે. તેમને બંદૂકના નાળચે આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા.