પશ્ચિમ બંગાળની ટીએમસીના વિજયી ઉમેદવાર મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. બંને સાંસદોએ બંગાળી ભાષામાં શપથ લીધા છે. શપથ બાદ અભિનેત્રીમાંથી સાંસદ બનેલી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા.
સંસદીય સત્રમાં નુસરત જહાં પરંપરાગત અંદાજમાં દેખાયા હતા. નવપરણિતા નુસરત જહાંના માથા પર સિંદૂર, હાથોમાં મહેંદી અને બંગડીઓ પહેરીને ગૃહમાં આવ્યા હતા.
નુસરત જહાંએ બિઝનસમેન નિખિલ જૈન સાથે 19 જૂને તુર્કીના બોડરમ સિટીમાં લગ્ન કર્યા છે. લગ્નમાં વ્યસ્તતતાને કારણે નુસરત જહાં સંસદીય સત્રના પહેલા દિવસે શપથ માટે પહોંચી શક્યા ન હતા.
નુસરતના લગ્નમાં તેમના નજીકના મિત્ર મિમી ચક્રવર્તી પણ દેખાયા હતા. બંને સ્ટારને સોશયલ મીડિયા પર આના કારણે ઘણાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. યૂઝર્સનું કહેવું હતું કે લગ્ન અને રિસેપ્શન માટે નુસરત જહાં પાસે સમય છે, પરંતુ સંસદમાં શપથ લેવા માટે સમય નથી.
એક યૂઝરે લખ્યું છે કે જ્યારે તમને સંસદીય સત્ર બાબતે ખબર હતી, તો પછી લગ્નની તારીખને આગળ વધારી શકાય તેમ હતી. આ છે કોલકત્તાના સાંસદ જે લગ્નમાં વ્યસ્ત છે. તમે કેવી રીતે જવાબદારી નિભાવી શકો છો.
સંસદમાં શપથ લેવા માટે પહોંચેલા મિમી ચક્રવર્તી સિમ્પલ સૂટમાં દેખાયા હતા. મિમીએ શપથ લીધા બાદ સ્પીકર ઓમ બિરલાના ચરણસ્પર્શ કર્યા હતા.