ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 5 : નેતાજીએ બનાવી આઝાદ હિંદ ફોજ, મહાત્મા ગાંધીની અહિંસા સામે મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી હિંસાનું નગ્નનાચ
આનંદ શુક્લ
1940થી આઝાદીના આકાંક્ષા સાથે સુભાષચંદ્ર બોઝે લોકોને– તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા—ની હાકલ કરી હતી. તો મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમો માટે અલગ હોમલેન્ડ પાકિસ્તાન માટે સીધી કાર્યવાહીની જાહેરાત કરીને દેશમાં કોમી હિંસા કરાવી હતી. તેની સામે અહિંસાવાદી મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં ચાલતી કોંગ્રેસના નહેરુ અને સરદાર પટેલ સહીતના નેતાઓની વચગાળાની સરકાર મજબૂર દેખાતી હતી.
ભારતીયોમાં આઝાદી માટેની આકાંક્ષાઓ ઉછાળા મારી રહી હતી. લોકો વધુ રાહ જોવા માટે તૈયાર ન હતા. પરંતુ મુસ્લિમ લીગ અંગ્રેજોને સાથ આપીને ભારતને કોંગ્રેસના શાસનમાં જતું બચાવવા માટે કોમવાદી માનસિકતાથી જીતોડ કોશિશ કરી રહી હતી. તો ભારતની બહાર જર્મનીમાં હીટલરને મળીને બ્રિટિશરોથી ભારતને આઝાદ કરવા માટે સુભાષચંદ્ર બોઝ પોતાના મિશનમાં લાગી ગયા હતા. તેના કારણે ઘરઆંગણે સુભાષચંદ્ર બોઝની આકરી ટીકાઓ થવા લાગી હતી. પરંતુ તેની પરવાહ કર્યા વગર પૂર્વ એશિયામાં પહોંચીને જાપાનની મદદથી નેતાજીએ પહેલી સપ્ટેમ્બર, 1942ના રોજ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને અંગ્રેજી હકૂમતને ઉખાડી ફેંકવા માટે લશ્કરી રાહે પ્રયત્નોનો પ્રારંભ કર્યો હતો. જેમાં તેમણે બ્રિટિશરોના શાસન હેઠળની સેનાના ભારતીય યુદ્ધકેદીઓની મદદથી આઝાદા હિંદ ફોજનું નિર્માણ કર્યું હતું. 21 ઓક્ટોબર, 1943ના રોજ આઝાદ ભારતની પ્રોવિઝનલ સરકારની સુભાષબાબુએ ઘોષણા કરી હતી.
સનાતન ભારતના અસ્તિત્વના દુશ્મન એવા ઝીણાની આગેવાનીમાં કરાચી ખાતેના અધિવેશનમાં મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આધારે ભાંગફોડની રાજનીતિને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. 1946ની 15મી માર્ચે ઈંગ્લેન્ડના વડાપ્રધાન લોર્ડ એટલીએ બંધારણીય સુધારાની ભલામણો કરવા માટે કેબિનેટ મિશનની ભારત મુલાકાતની ઘોષણા કરી હતી. બંધારણની રચના માટે અને વચગાળાની સરકાર બનાવવા માટે યોજના રજૂ કરી હતી. મુસ્લિમ લીગે 6 જૂને તેનો સ્વીકાર કર્યો, પણ અલગ પાકિસ્તાનની માગણી પર અક્કડ વલણ અપનાવ્યું હતું. તો તે વખતે કોંગ્રેસે પણ કેબિનેટ મિશનની યોજનાનો આંશિક સ્વીકાર કર્યો હતો.
1946માં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની. પરંતુ મુસ્લિમ લીગે કેબિનેટ મિશન પ્લાનની પહેલાની મંજૂરી પાછી ખેંચીને સરકારમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો હતો. 9મી ડિસેમ્બરે, 1946ના રોજ કોન્સ્ટિટ્યૂટ એસેમ્બલીના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદની વરણી કરવામાં આવી. મુસ્લિમ લીગ કોન્સ્ટિટ્યૂટ એસેમ્બલીમાં સામેલ થઈ નહી. 1946ની પ્રાંતીય ચૂંટણીઓમાં કોંગ્રેસને મુસ્લિમ બેઠકો પરથી ગણતરીની બેઠકો મળી હતી. જ્યારે મુસ્લિમ લીગ મુસ્લિમ સમુદાયના એકમાત્ર પ્રતિનિધિ તરીકે 95 ટકા જેટલી બેઠકો જીતવામાં સફળ થઈ હતી. જેના કારણે મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાની અલગ પાકિસ્તાનની માગણી વધુ ઉગ્ર બની હતી. તેના માટે તેઓ હિંસક માર્ગ અપનાવવા માટે પણ તૈયાર હતા. 1946માં બોમ્બે નેવલ યાર્ડ ખાતે નૌસૈનિકોના બળવાને કારણે બ્રિટશરોના ભારતમાં પગ ઉખડવા લાગ્યા હતા. 6 જુલાઈ, 1946ના રોજ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદના સ્થાને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.
ભારતને તોડવા માટેના કોમવાદી મિશનમાં લાગેલા મુસ્લિમ લીગના અધ્યક્ષ ઝીણાએ 16 ઓગસ્ટ, 1946ના રોજ ડાયરેક્ટ એક્શન ડેની જાહેરાત કરીને ભારતમાં મોટાપાયે હુલ્લડો કરાવ્યા હતા. સીધી કાર્યવાહીની હાકલ સાથે કોલકત્તા અને બંગાળમાં હિંદુઓ પર મુસ્લિમ લીગી ગુંડાઓએ કત્લેઆમ ચલાવી હતી. જેના કારણે બિહાર, પંજાબ, નોઆખલી સહીત ભારતના ઘણાં ભાગમાં ઠેરઠેર કોમી હૂતાસણો થયા હતા. ઝીણાની આ હરકતથી કોંગ્રેસના નેતાઓ ખૂબ ગુસ્સે ભરાયા હતા. ત્યારે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સહીતના કોંગ્રેસના નેતાઓને ઝીણાના ખતરનાક મનસૂબા પાર પાડવા માટે કઈ હદે જશે તેનો ખ્યાલ પણ આવી ગયો હતો. જો કે મહાત્મા ગાંધીની અહિંસા સામે મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી હિંસાનું નગ્ન નાચ ચાલી રહ્યું હતું. અખંડ ભારતના અસ્તિત્વ સામે આ એક કપરો કાળ હતો.