ગુજરાતમાં આવતીકાલથી ચોમાસુ લેશે વિધિવત રીતે વિદાય
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં 130 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન આવતીકાલથી નૈઋત્યનું ચોમાસુ વિધિવત રીતે વિદાય લેશે. નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ કેરળથી થાય છે અને પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ જિલ્લામાંથી વિદાય લે છે. આવતીકાલે પશ્ચિમ રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાનું શરૂ થશે, તેમ હવામાન ખાતા જણાવવામાં આવ્યું હતું.
ભારતમાં કેરળમાં સૌ પ્રથમ તા. 1લી જૂનથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય છે. તેમજ 20મી જૂન સુધી ચોમાસુ ગુજરાત પહોંચે છે. ચાલુ વર્ષે ગુજરાત સહિત નવ રાજ્યમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડયો છે. ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને સિક્કિમમાં 100 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 132 ટકા જેટલો વરસાદ ચોમાસાની સિઝનમાં નોંધાયો છે.
સમગ્ર દેશમાં જૂન મહિનામાં સરેરાશથી 17 ટકા વધુ વરસાદ થયો હતો. પરંતુ જુલાઈ માસમાં 10% ખાધ ભોગવવી પડી હતી. ઓગસ્ટ માસમા સરેરાશ કરતાં 27 ટકા વધુ વરસાદ પડયો હતો અને સપ્ટેમ્બર માસમાં દેશના અનેક ભાગોમાં નોંધયાત્ર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે 130 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાની પાણીની સમસ્યાનો સામનો રાજ્યની જનતાને નહીં કરવો પડે.