આતંકવાદને લઈને સરકાર એકશનમાં, NIAની વધારે શાખાઓ ખુલશે
દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) પણ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા કામગીરી કરી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા NIA ની વધુ પણ શાખાઓ રાંચી, ઇન્ફાલ અને ચેન્નાઈમાં ખોલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ બાબતો અને મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા NIAની વધુ 3 શાખાઓ ખોલવા મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર NIAનું મુખ્ય મથક દિલ્હીમાં છે. તેમજ ગુવાહાટી, મુંબઈ, જમ્મુ, કોલકતા, હૈદરાબાદ, કોચી, લખનૌ, રાયપુર અને ચંડીગઢમાં શાખાઓ છે. આ સ્થળો ઉપર આવેલી ઓફિસ પરથી આતંકવાદી પ્રવૃતિઓને લગતી ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે. રાંચી, ઈન્ફાલ અને ચેન્નાઈમાં NIAની શાખાઓ ખુલવાથી આ રાજ્યોમાં આતંકવાદી વિરોધી પ્રવૃતિઓને ડામવામાં સફળતા મળશે. ભારત સરકારે NIAને વિશેષ અધિકારી આપ્યાં છે. જેથી આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરી શકાય. તેમજ તેમની સંપત્તિ પણ સીઝ કરી શકે છે. એટલું જ નહીં NIAની કામગીરીમાં કોઈ પણ રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકતી નથી.
મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ત્યાર બાદ આતંકવાદને ડામવા માટે NIAની રચના કરવામાં આવી હતી. મુંબઈ આતંકવાદી હુમલા બાદ એક એવી તપાસ એજન્સની જરૂરીયાત ઉભી થઈ જે સીધી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી શકે, તેમજ આતંકવાદી પ્રવૃતિઓ ઉપર નજર રાખીને તેને ડામી શકે.