ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે જણાવ્યું કે, વાવાઝોડું ફની વધુ તીવ્ર બનશે અને 1 મે સુધીમાં અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પલટાશે અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. આ સાથે હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારાના વિસ્તારોને આગામી સમયમાં અતિશય ઝડપી પવન, ભારે વરસાદ અને ઉછળતા દરિયા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
વાવાઝોડું અત્યારે દક્ષિણ-પૂર્વની બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત છે, જે ચેન્નાઈથી 1000 કિમી દક્ષિણપૂર્વમાં છે. તેના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારાના વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, “સોમવારે સવારે વાવાઝોડું ફની ચેન્નાઈથી 880 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં લોકેટ થયું. આ વાવાઝોડું 30 એપ્રિલ સુધીમાં અતિ તીવ્ર ચક્રવાતમાં પલટાવાનો અંદાજ છે. આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતું જશે અને 1 મેથી તેનો રસ્તો બદલીને ઉત્તર-પૂર્વમાં આગળ વધશે.”
હવામાન વિભાગે કહ્યું, “મે 1 અને 2 દરમિયાન વાવાઝોડું સૌથી વધુ તીવ્ર બનશે અને ત્યારે હવા 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આંધ્રપ્રદેશના ઉત્તર બાજુના વિસ્તારો અને ઓડિશાના દક્ષિણ બાજુના વિસ્તારો આ વાવાઝોડાં માટે સૌથી નજીકના ભારતીય દરિયાકિનારાના વિસ્તારો છે, જે માત્ર 300 કિમી દૂર છે. એટલે આ કિનારાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.”
NDRF અને ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ્સને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને દક્ષિણના આ રાજ્યોની સરકારોને તરત મદદરૂપ થઈ શકે તે રીતે તહેનાત કરવામાં આવ્યા છે. 25 એપ્રિલથી માછીમારોને દરિયામાં નહીં જવાની રેગ્યુલર ચેતવણીઓ આપવામાં આવે છે અને જે લોકો દરમિયામાં છે તેમને કિનારે પાછા આવવાનું જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં હવે ભૂસ્ખલન નહીં થાય. પરંતુ, ઓડિશામાં ભૂસ્ખલનની શક્યતાઓ સતત ચકાસવામાં આવી રહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમણે આ ચક્રવાતથી પ્રભાવિત થનારા રાજ્યોની સરકારો અને સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ/એજન્સીઓ પાસેથી પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે કેબિનેટ સેક્રેટરીને નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC)ની મીટિંગ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે કે કેમ તે સુનિશ્ચિત કરી શકાય.”
હવામાન વિભાગે 29 અને 30 એપ્રિલ દરમિયાન કેરળના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અને કેટલાંક અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી બે દિવસોમાં ઉત્તર તમિલનાડુના દરિયાઈ વિસ્તારોમાં, દક્ષિણના આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 3જી મેથી ઓડિશાના વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે દર્શાવી છે.
આગામી કેટલાક દિવસો સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે સ્થાનિક લોકોને રાતના સમયે જે વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓ છે ત્યાં ટ્રાવેલ કરવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે.