લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ કે અમે કહી શકીએ છીએ કે ચૂંટણીપંચે પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યો છે. ચૂંટણીપંચે આચારસંહિતા તોડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોર્ટે માયાવતીને કહ્યું કે તમે પહેલા પિટિશન ફાઇલ કરો પછી અમે જોઈ લઇશું. ઉલ્લેખનીય છે કે વિવાદિત નિવેદન મામલે ચૂંટણીપંચે માયાવતી પર 48 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો, પરંતુ માયાવતીએ સુપ્રીમ કોર્ટ પાસે પોતાની આજની રેલી માટે પરવાનગી માંગી હતી.
માયાવતીની અરજી પર સુનાવણીના ઇન્કારની સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો. કોર્ટે કહ્યું કે હાલ કોઈ નવા આદેશ આપવાની જરૂર નથી. યોગી આદિત્યનાથ, માયાવતી અને આઝમ ખાન પર ચૂંટણીપંચે પ્રચાર માટે લાદેલા પ્રતિબંધ પછી કોર્ટે કહ્યુ કે લાગે છે કે ચૂંટણીપંચ અમારા આદેશ પછી જાગી ગયું છે અને તેણે અનેક નેતાઓ પર ચૂંટણીપ્રચાર માટે અમુક કલાકોનો બેન લગાવી દીધો છે.
નોંધનીય છે કે વિવાદિત નિવેદન મામલે ચૂંટણીપંચે માયાવતી પર 48 કલાક સુધી પ્રચાર પર બેન લગાવવા અંગે માયાવતીએ નારાજગી વ્યક્ત કરી હતી. માયાવતીએ કહ્યું હતું કે ચૂંટણીપંચે જે રીતે મારા પર પ્રતિબંધ લગાવ્યો છે તે ભારતના લોકોના મૂળભૂત હકોનું હનન છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીપંચના નિર્ણયો ભારતના લોકતંત્રમાં કાળા દિવસ તરીકે ઓળખાશે. ચૂંટણીપંચે મને ચૂપ કરાવીને ગરીબોનો અવાજ ચૂપ કર્યો છે. ભારતની જનતા પણ પંચના આ નિર્ણયથી ખુશ નથી.
મંગળવારે આગ્રામાં યોજાનારી ચૂંટણીસભા પર પ્રતિબંધ પહેલા બસપા સુપ્રીમોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચૂંટણીપંચ નરેન્દ્ર મોદી કે અમિત શાહ પર કોઇ પ્રતિબંધ નથી લગાવતું. પંચ જો અમારી ઉપર ભડકાવનારા ભાષણોનો આરોપ સાચો માનીને પ્રતિબંધ લગાવે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર કેમ નહીં? તેમણે કહ્યુ કે બીજેપીના ઇશારે ચૂંટણીપંચે આ નિર્ણય પર પ્રતિબંધ મૂક્યો છે જેથી હું આગ્રામાં ચૂંટણીસભા ન કરી શકું.