કાર્તિની 10 કરોડ રૂપિયા પાછા આપવાની અરજી SCએ નકારી, CJIએ કહ્યું- તમારા સંસદીય વિસ્તાર પર ધ્યાન આપો
INX મીડિયા કૌભાંડ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરીને આદેશ આપ્યો કે કાર્તિએ દર વખતે વિદેશ જવા માટે 10 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. હકીકતમાં કાર્તિએ વિદેશયાત્રા માટે શરત તરીકે રજિસ્ટ્રીમાં તેમના દ્વારા જમા કરાવવામાં આવેલા 10 કરોડ રૂપિયા પાછા અપાવવા વિનંતી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કાર્તિને વિદેશ જવા માટે 10 કરોડ રૂપિયા જમા કરવા માટે કહ્યું.
કાર્તિ તરફથ હાજર રહેલા વકીલે કહ્યું કે તેમને 10 કરોડ રૂપિયાનું દેવું લેવા માટે મજબૂર થવું પડ્યું અને હવે તે એ રકમ પર વ્યાજ આપવા માટે બંધાયેલા છે, એવી સ્થિતિમાં પહેલા જમા કરાવવામાં આવેલી રકમ પાછી આપવી જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમની પૂર્વમાં જમા કરાવવામાં આવેલી 10 કરોડ રૂપિયાની સિક્યોરિટી રકમ પાછી આપવાની માંગને નકારી કાઢી.
કોર્ટે કાર્તિને કહ્યું કે તેમણે દર વખતે વિદેશ જવા માટે 10 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. કોર્ટે કાર્તિને એમ પણ કહ્યું કે સારું થશે જો તમે તમારા સંસદીય વિસ્તાર પર ધ્યાન આપો. ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિદમ્બરમ સીબીઆઇ તેમજ ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ગુનાઈત મામલાઓનો સામનો કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેંચે કાર્તિની અજીને રદ કરી અને કહ્યું, ‘તમારા ચૂંટણી વિસ્તાર પર ધ્યાન આપો.’