ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 8 : ખંડિત આઝાદીના પર્વ પર મંથન કરીએ અખંડ ભારતની હત્યાનું કોણ હતું ગુનેગાર?
- આનંદ શુક્લ
વિભાજનની વિભીષિકા આજે પણ ભારત માટે કરુણાંતિકાઓ જ પેદા કરી રહી છે. ત્યારે આઝાદીની 72 વર્ષ બાદ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ભારતના ભાગલા માટે જવાબદાર કોણ… ઝીણા.. નહેરુ…મહાત્મા ગાંધી.. સરદાર પટેલ.. કે અંગ્રેજ.. કોંગ્રેસ કે મુસ્લિમ લીગ… કે તમામની સામૂહિક જવાદારી છે? ભારતના ભાગલા છતાં પણ દક્ષિણ એશિયામાં તત્કાલિન સમસ્યાઓ આજે પણ યથાવત છે… તો આવા ભાગલાની તાર્કિકતા અને યથાર્થતા કેટલી છે?
ભારતનું વિભાજન ખૂબ ઉતાવળે સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેના સેંકડો કારણોમાં એક મુખ્ય કારણ રાષ્ટ્રીય તત્વોના વિકૃતિકરણથી કોંગ્રેસ દ્વારા વિકસિત કરાયેલો રાષ્ટ્રવાદ. આ કોંગ્રેસી રાષ્ટ્રવાદ એટલો નબળો હતો કે મુસ્લિમ રાષ્ટ્રવાદ નામે શરૂ કરવામાં આવેલા અલગતાવાદનો મુકાબલો કરી શક્યો નહીં. આ અલગતાવાદી પ્રવૃતિમાં હિંસાચારની મુખ્ય ભૂમિકા હતી. બીજી તરફ હિંદુઓએ પોતાનું સંપૂર્ણ સમર્થન ગાંધીજીના મહાત્માપણા અને કટ્ટર અહિંસા સાથેની કોંગ્રેસને આપ્યું હતું. હિંદુ મહાસભા જેવા પક્ષોને હિંદુ સમાજમાંથી નહીંવત ટેકો પ્રાપ્ત થયો હતો. તે વખતે કોંગ્રેસનો દાવો હતો કે મુસ્લિમ લીગનો મુકાબલો માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. 1945-46ની ચૂંટણીઓમાં કોંગ્રેસને હિંદુઓનું પૂર્ણ સમર્થન મળ્યું. જ્યારે મુસ્લિમોએ મુસ્લિમ લીગને ટેકો આપ્યો હતો. પરંતુ કોંગ્રેસે મુસ્લિમો સહીત ભારતના તમામ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનો ખોટો દાવો કર્યો હતો.
ઝીણાનો સૌથી મોટો વાંધો હતો કે કોંગ્રેસ હિંદુઓના ટેકાવાળી પાર્ટી હોવા છતાં તમામ વર્ગો અને ખાસ કરીને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવાનો ઢોંગ કરે છે. ત્યારે પાકિસ્તાનવાદીઓની અલગતાવાદી હરકતોનો મુકાબલો કરવાની સ્પષ્ટ નીતિનો કોંગ્રેસમાં અભાવ હતો. હિંદુ-મુસ્લિમ એકતાના નામે કોંગ્રેસી ઢોંગને કારણે હિંસક અલગતાવાદી પાકિસ્તાનની માગણી કરતા મુસ્લિમ રાષ્ટ્રવાદનો મુકાબલો કરે તેવા ભારતીય રાષ્ટ્રવાદને વિકસિત કરવામાં નિષ્ફળતા મળી હતી. જેના કારણે દેશનું વિભાજન થયું હતું. તેથી ભારત વિભાજન માટે મુસ્લિમ લીગ, મોહમ્મદ અલી ઝીણા અને અલગતાવાદી મુસ્લિમ રાષ્ટ્રવાદ સીધા જવાબદાર હોઈ શકે. પરંતુ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ સહીતના કોંગ્રેસના નેતાઓ તેમના રાષ્ટ્રીય તત્વોને વિકૃત કરીને વિકસિત કરાયેલા નબળા રાષ્ટ્રીય રાષ્ટ્રવાદને વિકસિત કરીને પાકિસ્તાનને હકીકત બનતા નહીં અટકાવી શકવાની જવાબદારીમાંથી બિલકુલ બચી શકે તેમ નથી.
પાકિસ્તાનની માગણી પુરી કરવા માટે મુસ્લિમ લીગ દ્વારા કરાતી હિંસાનો ગાંધીજીના કટ્ટર અહિંસાવાદ પાસે કોઈ જવાબ ન હતો. જો કે લોહપુરુષ સરદાર પટેલે એકવાર તલવારનો મુકાબલો તલવારથી કરવાની વાત કરી હતી. તો તેના સંદર્ભે ઝીણાએ પુછયું કે તેમની તલવાર ક્યાં છે? કારણ કે ઝીણા જાણતા હતા કે કોંગ્રેસ ગાંધીજીની અહિંસક નીતિના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશે નહીં. જો કે હિંદુ સમુદાય પાસે ઝીણાની હિંસાચારી પ્રવૃતિઓનો મુકાબલો કરવાની સંપૂર્ણ શક્તિ હતી. મુસ્લિમ લીગી ગુંડાઓની હિંસાનો જડબાતોડ પ્રતિકાર કરાયો હતો. પરંતુ કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીએ ઉપવાસનું હથિયાર ઉઠાવીને તેને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંગાળના તોફાનો બાદ હિંદુ સમુદાય તરફથી બિહારમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. તેના કારણે લીગને ભવિષ્યની તેની હિંસા સામેના જવાબથી કંપકપી છૂટી ગઈ. ઝીણાએ વસ્તીની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મૌલાના આઝાદે કહ્યુ કે કોંગ્રેસ ઝીણાનો તબાદલા-એ-આબાદીનો પ્રસ્તાવ માની લેવો જોઈએ. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના મુસ્લિમો ઝીણાના પાકિસ્તાનને સૌથી વધારે ટેકો આપી રહ્યા છે. તબાદલા-એ-આબાદીના પ્રસ્તાવના માની લેવાથી તેમને ભારતમાંથી તેમની મિલ્કતો છોડીને પાકિસ્તાન જવું પડશે. તેના માટે તેઓ તૈયાર નહીં થાય અને મુસ્લિમ લીગનો સાથ છોડી દેશે. પરંતુ પરંતુ ગાંધીજીનું મહાત્માપણું તેમને આવો પ્રસ્તાવ સ્વીકારવાની મંજૂરી આપતું ન હતું. તેના કારણે ભારતનો વિભાજન અટકાવવાનો પક્ષ નબળો પડયો હતો.
ભારતનું વિભાજન કરાવવામાં બ્રિટિશ સામ્રાજ્યવાદી શક્તિઓના સ્થાપિત હિતો જોડાયેલા હતા. તેના માટે તેમણે હિંદુ-મુસ્લિમ વચ્ચેની હિંસાની આડમાં ઝીણા અને મુસ્લિમ લીગની આડ લઈને દક્ષિણ એશિયામાં પોતાની ગ્રેટ ગેમ પાર પાડી હતી. અંગ્રેજોની ઈચ્છા હતી કે ભારત છોડયા પછી તેનો એક ભાગ તેના નિયંત્રણમાં રહે અથવા બ્રિટનની કઠપૂતળી તરીકે નાચવા માટે તૈયાર રહે. જ્યારે લોર્ડ વેવલ વાઈસરોય બન્યો, તો તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન વિસ્ટર્ન ચર્ચિલે કહ્યુ હતુ કે – કીપ અ બિટ ઓફ ઈન્ડિયા વિથ યૂ એટેલે ક ભારતનો થોડો ભાગ પાસે રાખી લો. પાકિસ્તાનની રચના સાથે તેને બ્રિટન સહીતના પશ્ચિમી દેશો અને બાદમાં અમેરિકા પાસેથી શસ્ત્ર અને આર્થિક સહીત તમામ પ્રકારની મદદ મળતી રહી છે.
બ્રિટિશ ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને લખ્યું પણ હતુ કે જો વિભાજન બાદ તાત્કાલિક ભારત પાકિસ્તાન પર હુમલો કરત તો આ નવા દેશનું નામોનિશાન જ રહેત નહીં. અંગ્રેજોની ઈચ્છા હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય નહીં. તેના કારણે જ માઉન્ટબેટને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનીઓના આક્રમણ છતાં યુદ્ધ ટાળવા માટે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવાની સલાહ આપી હતી. ભારત વિભાજન સંદર્ભે અંગ્રેજ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તમામના પોતપોતાના સ્થાપિત હિતો હતા. જો ભારતનું વિભાજન થયું ન હતો, તો આજે આપણો દેશ વિશ્વના પ્રથમ શ્રેણીના દેશોમાં સ્થાન પામ્યો હોત. તેનો સીધા અર્થ થાય છે કે એશિયાના સંશાધનો પર પશ્ચિમી દેશોનું વર્ચસ્વ હાલના જેવું રહેત નહીં.
અંગ્રેજો સામે સંઘર્ષો અને જેલવાસમાં જિંદગીના આખરી પડાવ પર પહોંચેલા ઘણાં કોંગ્રેસી નેતાઓ થાકી ચુક્યા હતા. તેમને ઝડપથી દેશની આઝાદી મેળવીને સત્તા હસ્તાંતરીત કરીને દિલ્હીમાં બેસવું હતું. તેની સાથે કોંગ્રેસની ઈચ્છા હતી કે મુસ્લિમ લીગની હિંસા ખતમ થાય અને કેન્દ્ર મજબૂત બને. પરંતુ ઝીણાના રહેતા તે શક્ય હતું નહં. પરંતુ વિભાજન બાદ પણ હિંસાએ ભારતનો પીછો છોડયો નથી. નહેરુ અને ઈન્દિરા ગાંધીના કાર્યકાળ સુધી કેન્દ્ર મજબૂત રહ્યું, પરંતુ બાદમાં મુસ્લિમ વોટબેંકના રાજકારણે પ્રાદેશિક સ્તરે ચૂંટણી સમીકરણોમાં પ્રાદેશિક પક્ષોને મજબૂત કર્યા અને કેન્દ્ર નબળું પડ્યું. દેશમાં 30 વર્ષ સુધી જોડાણ સરકારો સત્તા પર આવી અને તેને કારણે રાષ્ટ્રહિત માટેના નીતિગત નિર્ણયોની પ્રક્રિયા મંથર પડી હતી.
મુસ્લિમ લીગ અને ઝીણાનો વિચાર હતો કે પાકિસ્તાન નામનો મુસ્લિમ દેશ બનાવીને તેઓ સમગ્ર ઈસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરશે. હવે તેઓ પરમાણુ બોમ્બ બનાવીને વિચારી રહ્યા છે કે તેમના ઉદેશ્યમાં તેઓ સફળ રહ્યા છે. તેના કારણે પાકિસ્તાન પોતાના પરમાણુ બોમ્બને ઈસ્લામી બોમ્બ કહી રહ્યું છે. પાકિસ્તાન સમજે છે કે તેમણે ઈસ્લામને મજબૂત કરી દીધો છે. મુસ્લિમ લીગની માનસિકતા હતી કે પાકિસ્તાને ભારત પર હાવી થઈ જાય તેટલું શક્તિશાળી બનાવવું. તેમનું અંતિમ લક્ષ્ય હતું કે ભારતમાં ભાગલા બાદ પણ રહેતા મુસ્લિમોના પણ તેઓ નેતા બને અને તેમની મદદથી ભારત પર કબજો કરે. તેથી તો વિભાજન વખતે સૂત્રો પોકારાયા હતા કે- હસ કે લિયા પાકિસ્તાન… લડ કે લેંગે હિંદુસ્તાન..
જો કે જમીયત-ઉલેમા-એ-હિંદ જેવા સંગઠન ભાગલા વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે પાકિસ્તાન બનવાથી ઈસ્લામનો દક્ષિણ એશિયામાં પ્રભાવ સંકોચાઈ જશે. કદાચ તેમની ગર્ભિત ઈચ્છા સમગ્ર ભારત પર ઈસ્લામિક પ્રભાવ જમાવીને નિયંત્રણ મેળવવાની હોઈ શકે છે. આજે પણ ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં હિંસાચારના મિશન સાથે આવતા આતંકવાદીઓને મદદ કરવા માટેનું તંત્ર ચલાવતા હોવાની આશંકાઓ ભારતની ઘણી એજન્સીઓએ વ્યક્ત કરી છે. તેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરપણું જીવિત રાખીને અલગ સામાજિક-રાજકીય અસ્તિત્વ જાળવી રાખીને તેને મજબૂત કરવા માટે પણ ઘણાં સંગઠનો કામ કરી રહ્યા છે. જામિયા-મિલાય યૂનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહેલા આબિદ હુસૈનના પુસ્તક- ઈન્ડિયન મુસ્લિમ ડેસ્ટિની અને એન. વી. ગાડગિલના પુસ્તકમાં પણ આ પ્રકારના સંદર્ભો સાથે વિશ્લેષણો આપવામાં આવ્યા છે.
વિભાજનની વિભીષિકા અને અખંડ ભારતની કરુણાંતિકા માટે ઝીણા, નહેરુ,ગાંધીજી તો પરોક્ષપણે સરદાર પટેલને જવાબદાર ગણાવતા ઘણાં વિશ્લેષણો વખતોવખત પુસ્તકો સ્વરૂપે સામે આવતા રહ્યા છે. જસવંતસિંહનું જિન્નાહની પ્રશંસા કરતું અને નહેરુ-સરદાર પટેલને વિભાજન માટે કથિતપણે જવાબદાર ઠેરવતું પુસ્તક તેની એક કડી માત્ર છે. કોઈ મુસ્લિમ લીગને.. તો કોઈ કોંગ્રેસને.. તો કોઈ સાવરકર તથા હિંદુ મહાસભાને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ભારતીયતાને આધારે મજબૂત રાષ્ટ્રવાદ વિકસિત કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી અને તેના દ્વારા અલગતાવાદી મુસ્લિમ રાષ્ટ્રવાદની હિંસાનો સામનો કરવામાં તમામ સ્તરે નબળાઈઓ સામે આવી. તેનું પરિણામ ભારતનું વિભાજન છે… તેનું પરિણામ ભારતને રક્તરંજિત કરતું પાકિસ્તાન છે… આના માટે જવાબદાર કોઈ એક વ્યક્તિ કે સંગઠનને ઠેરવી શકાય નહીં. હા, તેમની આમા મુખ્ય ભૂમિકાઓનો ક્રમ ઉપર-નીચે હોઈ શકે છે. પરંતુ અખંડ ભારતની હત્યાની જવાબદારી સામૂહિક છે…. તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.