કોરોના મહામારીઃ સુરતમાં આવતી તમામ એસટી બસ બંધ કરાઈ
અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના પગલે સુરત ડેપો આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે આગામી 10 દિવસ સુધી સુરતની તમામ એસટી બસોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુસાફરો કામરેજ ચોકડી સુધીની એસટી બસ પકડીને સુરત નજીક પહોંચી શકશે. આ નિર્ણય એસટી અને ખાનગી તમામ બસો માટે કરવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ તથા ખાનગી બસ સેવાનું સંચાલન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે મનપા તંત્રની સાથે સરકાર દ્વારા પણ અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે.