એનડીએ પાર્લામેન્ટરી મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્બોધન પહેલા દેશના બંધારણ સામે મસ્તક નમાવ્યું. ત્યારબાદ તેમણે બીજેપી અને એનડીએના તમામ સાંસદો અને નેતાઓનું અભિવાદન કર્યું અને તેમને વડાપ્રધાન તરીકે ચૂંટવા માટે તમામનો આભાર માન્યો. મોદીએ કહ્યું, ‘હું બંધારણ સામે નતમસ્તક થયા પછી તમારી સાથે વાત કરી રહ્યો છું. જનપ્રતિનિધિ માટે કોઈ ભેદરેખા ન હોઈ શકે. અમે તેમની સાથે છે જેઓ અમારી સાથે છે, અમે તેમની સાથે પણ છીએ જેઓ અમારી સાથે રહેશે. આજે એક નવી દિશાનો આરંભ. તમે તમામ લોકો આ બદલાવની પ્રક્રિયાના સાક્ષી અને અભિનંદનના અધિકારી છો.’ મોદીએ કહ્યું કે આ સમગ્ર ચૂંટણી એક તીર્થયાત્રા સમાન હતી. મોદીએ કહ્યું કે ભારતથી મોટો કોઈ ઇષ્ટદેવ નથી.
મોદીએ આ ચૂંટણીમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો. મોદીએ કહ્યું, ‘વિજયોત્સવ શાનદાર હતો. ન ફક્ત ભારતીયોએ પરંતુ વિદેશમાં વસતા ભારતીયોએ પણ આ વિજયોત્સવમાં જે ઉત્સાહથી હિસ્સો લીધો એ અમારા તમામ માટે ગર્વનો અવસર છે. હું એ તમામનો પણ ખરા દિલથી આભાર માનું છું. તમે લોકોએ મને ચૂંટ્યો છે, એક સિસ્ટમના ભાગ તરીકે. બાકી હું તમારામાંથી જ એક છું, તમારી સમકક્ષ છું.’
NARAને લઇને આગળ વધવાનું છે
મોદીએ કહ્યું, ‘રિજિયોનલ એસ્પિરેશન્સ (RA) અને નેશનલ એમ્બિશન (NA), આ બે પાટાઓ પર દેશ વિકાસની ગતિ પકડી રહ્યો છે. પ્રબળ નેશનલ એમ્બિશનની સાથે-સાથે રિજિયોનલ એસ્પિરેશન્સનું બેલેન્સ જરૂરી છે અને આ મૂળભૂત સિદ્ધાંત પર એનડીએ ચાલી રહ્યું છે. આ NARA છે અને તે જ નારાને લઇને આગળ વધવાનું છે.’
માતા-બહેનોએ કરી કમાલ
‘માતાઓ-બહેનોએ આ વખતની ચૂંટણીમાં કમાલ કરી દીધી છે. આ દેશની માતૃશક્તિ એક રક્ષાકવચ છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ હંમેશાં 5 કે 7 ટકા મતદાન કરતી. પરંતુ આ ચૂંટણીમાં મહિલાઓએ પુરુષોની બરાબરી કરી છે. સ્વતંત્ર ભારતમાં આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલા સાંસદો આજે સંસદમાં બેઠી છે. વુમન પાવરને કારણે આ શક્ય બન્યું છે.’
જનતા સત્તાભાવ નહીં સેવાભાવને સ્વીકારે છે
‘પ્રચંડ જનાદેશ જવાબદારીઓને વધારી દે છે. આ જવાબદારીઓને નિભાવવા માટે નવી ઊર્જા, ઉંમગ સાથે આપણે આગળ વધવાનું છે, પરંતુ આપણે ભારતના લોકતંત્રને સમજવાનું છે. ભારતના લોકતંત્રને કોઈ માપદંડથી માપી ન શકાય. સત્તાભાવ ન ભારતનો મતદાતા સ્વીકારતો નથી અને પચાવી પણ નથી શકતો. ક્યારેય તેને સન્માનતો પણ નથી, પરંતુ ભારતનો મતદાતા સેવાભાવનો સ્વીકાર કરે છે. જીવસેવા શિવસેવાથી જરાય ઉતરતી નથી.’
ચૂંટણીએ દિલોને જોડ્યા, દીવાલો તોડી
‘2019ની ચૂંટણીએ દીવાલોને તોડવાનું કામ કર્યું છે અને દિલોને જોડવાનું કામ કર્યું છે. આ ચૂંટણીએ એક પ્રકારે સામાજિક એકતાનું આંદોલન બની ગઈ. તેમાં સમતા પણ દેખાઇ અને મમતા પણ, સમભાવ પણ દેખાયો અને એક મમભાવ પણ દેખાયો. આજે દેશની જનતાએ એક નવા યુગનો આરંભ કર્યો છે અને આપણે તમામ તેના સાક્ષી છીએ.’
પ્રો-ઇન્કમ્બન્સીની લહેર
‘2014થી 2019 દેશ પણ આપણી સાથે ચાલ્યો છે અને ક્યારેક આપણાથી આગળ પણ ચાલ્યો છે. સરકારે જેટલો દેશ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે એના કરતા દેશે અને તેના લોકોએ વધારે પ્રયત્ન કર્યો છે. આ ચૂંટણી પ્રો-ઇન્કમ્બન્સી દર્શાવે છે. વિશ્વાસની ડોર જ્યારે મજબૂત હોય છે, ત્યારે પ્રો-ઇન્કમ્બન્સીની લહેર ચાલે છે. આ વિશ્વાસ જનતા અને સરકાર વચ્ચેનો જ નથી પરંતુ જનતાની અંદર પણ પરસ્પર રહેલો છે. તેના કારણે આ વિશ્વાસનો જન્મ થયો છે.’
ચૂંટણી તીર્થયાત્રા સમાન હતી
‘આ દેશ પરિશ્રમની પૂજા કરે છે અને પ્રામાણિકતાને માથે બેસાડે છે, તે આ દેશની પવિત્રતા છે. આ પવિત્રતાનું સન્માન કરવું એ આપણી ફરજ છે. મારું માનવું છે કે આ બધાને સાથે રાખીને આપણે દેશને આગળ વધારીશું. જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે એવું આપણે કહીએ છીએ અને મેં અનુભવ કર્યો છે કે આ સમગ્ર ચૂંટણી એક તીર્થયાત્રા સમાન છે. મેં મારી જીંદગીમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે, એમાં થતી લડાઇઓ, તૂતૂ-મેંમેં જોઈ છે. પણ હું કહું છું કે 2019 જેવી ચૂંટણી મેં જોઈ નથી.’
છપાસ અને દિખાસથી બચો
લુટિયન મીડિયા પર પીએમએ નિશાન સાધ્યું. મોદીએ નવા અને જૂના સાંસદોને બડબોલા નિવેદનોથી અને અહંકારથી બચવાની સલાહ આપી. મોદીએ કહ્યું કે ‘છપાસ (છપાવાનો મોહ) અને દિખાસ (ટીવી પર દેખાવાનો મોહ)થી બચવું જોઇએ. તેનાથી બચીને ચાલીશું તો પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવીશું. મીડિયાના લોકોને ખબર હોય છે કે 6 નમુના છે, ત્યાં સવારે પહોંચી જાઓ, ગેટની બહાર ઊભા રહો, બહાર નીકળીને કંઇક તો બોલશે.’
ગરીબો અને લઘુમતીઓ સાથે છળ થયું
‘આ વખતની સરકાર ગરીબોએ બનાવી છે. ગરીબો માટે ભ્રમજાળ રચવામાં આવી હતી. તેમની સાત છળ થયું હતું. અમે એ છળ તોડ્યું છે. આ દેશના ગરીબો સાથે છળ થયું છે, એવું જ છળ આ દેશના લઘુમતી લોકો સાથે થયું છે. તેમને ડરાવીને રાખવામાં આવ્યા હતા. તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. 2019માં આપણે આ છળનો વિચ્છેદ કરવાનો છે અને તેમનો વિશ્વાસ જીતવાનો છે. હવે ગરીબોની મુક્તિ માટે લડવાનું છે, લઘુમતીઓની મુક્તિ માટે લડવાનું છે. આ આપણું ઉત્તરદાયિત્વ છે.’
ખભેખભો મિલાવીને કામ કરીએ
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના દરેક વર્ગના લોકો, દરેક ધર્મ-જાતિના લોકો ખભેખભો મિલાવીને ગુલામી સામે લડ્યા હતા. સ્વરાજ્ય માટે લડ્યા હતા. હવે આવી જ રીતે ભારતની એકતા, અખંડિતતા અને સુરાજ માટે આપણે સૌ સાથે મળીને, ખભેખભો મિલાવીને કામ કરીએ.
દેશને વિકાશીલમાંથી વિકસિત બનાવવો પડશે
‘મોટી જીત બાદ માત્ર દેશમાં જ લોકોની અપેક્ષા નથી વધી, દુનિયાની અપેક્ષા પણ ભારત પાસે વધી ગઈ છે. દુનિયાની જે અપેક્ષા છે ભારત પાસેથી એ માટે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનવા માટે કામગીરી કરવી પડશે. દેશને નવી ઊંચાઈ પર લઈ જવો પડશે.’