
શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદી અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટથી અલગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની સાથે શિખર સંમેલનના અવસર પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સૂરોનબે જીનબેકોવ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હનસ રુહાની સાથે પણ મુલાકાત કરશે. સૂત્રો મુજબ, આ મુલાકાતમાં પીએમ મોદી અને હસન રુહાની વચ્ચે ઘણા મામલાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત એસસીઓ શિખર સંમેલનમાં પહોંચતા પહેલા પીએમ મોદીએ નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે આ શિખર સંમેલનમાં વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોનો લોકો સાથે સંપર્ક વધારવો આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મહત્વના પ્રાસંગિક વિષયો પર ચર્ચા થવાની આશા છે. તેમનું આ સંમેલનથી અલગ ઘણાં નેતાઓ સાથે મુલાકાત કરવી અને દ્વિપક્ષીય વાતચીત કરવાની પણ યોજના છે. આ પહેલો મોકો હશે કે જ્યારે પીએમ મોદી અને ઈમરાન ખાન કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને હશે. જો કે બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય મુલાકાતની સંભાવનાને ભારતે સોય ટકીને રદિયો આપ્યો છે.
એસસીઓ શિખર સંમેલનની મેજબાની કરી રહેલા કિર્ગિસ્તાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારતે કિર્ગિસ્તાનની અધ્યક્ષતાને પુરો સહયોગ આપ્યો છે. એસસીઓ શિખર સંમેલનના સમાપ્ત થયા બાદ 14મી જૂને તેઓ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સૂરોનબે જીનબેકોવ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે.
ભારતમાં કિર્ગિસ્તાનના રાજદૂત અલોક ડિમરીએ કહ્યુ છે કે બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને નેતા કનેક્ટિવિટીના મુદ્દા પર પણ વાતચીત કરશે. તાજેતરમાં પાકિસ્તાને ભારતીયો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો. તેને કારણે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ખાસી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કિર્ગિસ્તાનના રાજદૂતે કહ્યુ હતુ કે ભારત અને કિર્ગિસ્તાનના સંબંધ ઐતિહાસિક અને મજબૂત છે. આપણે એકબીજાથી બહુ દૂર નથી. વડાપ્રધાન મોદીએ 2015માં કિર્ગિસ્તાનની મુલાકાત લીધી હતી. હવે ચાર વર્ષ બાદ ફરીથી પીએમ મોદી કિર્ગિસ્તાનની મુલાકાત જઈ રહ્યા છે. હાલ લગભગ 10 દિવસ પહેલા જ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ જીનબેકોવ પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. હવે પીએમ મોદીની મુલાકાતને લઈને જબરદસ્ત ઉત્સાહ અને આશાઓ છે. કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા તરીકે જોઈ રહ્યા છે.
તેમણે કહ્યુ છે કે બંને નેતા સંયુક્તપણે ભારત-કિર્ગિસ્તાનના બિઝનસ ફોરમની પહેલી બેઠકને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. તાજેતરમાં કિર્ગિસ્તાનની સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે સંરક્ષણ, સુરક્ષા, કારોબાર અને રોકાણ સહીતના ઘણાં ક્ષેત્રોમાં ભારત અને કિર્ગિસ્તાનના દ્વિપક્ષીય સંબંધ મજબૂત થયા છે.
જણાવવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લીગલ મેટ્રોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધવાને લઈને સમજૂતી પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા છે.