મુસ્લિમ મહિલાઓએ મસ્જિદમાં નમાજ પઢવાની માંગી મંજૂરી, સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયને મોકલી નોટિસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ યુગલે એક અરજી દાખલ કરીને અપીલ કરી છે કે મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ કરવા દેવામાં આવે અને એક જ સ્થાન પર પુરુષો સાથે નમાજ પઢવા દેવામાં આવે તેવો આદેશ આપવામાં આવે.
પુણેના આ યુગલ મુજબ, તેમને એક મસ્જિદમાં નમાજ પઢવાથી રોકવામાં આવ્યા હતા, તેના પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા પંચ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને એક નોટિસ જાહેર કરી છે.
જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પુણેના યુગલની અરજીને સ્વીકાર કરતા નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે તમારી અરજી પર સબરીમાલા પર અમારા ચુકાદાને કારણે સુનાવણી કરી શકીએ છીએ.
શું મહિલાઓ મસ્જિદોમાં દાખલ થઈ શકે છે? આમ તો મહિલાઓના મસ્જિદમાં દાખલ થવા પર કુરાનમાં કોઈ રોક જણાવવામાં આવી નથી. શિયા, વ્હોરા અને ખોજા પંથની મસ્જિદોમાં મહિલાઓ આરામથી દાખલ થઈ શકે છે. ઈસ્લામના સુન્ની પંથના અનુયાયીઓના ઘણાં લોકો મહિલાઓના મસ્જિદમાં જવાને યોગ્ય માનતા નથી. માટે સુન્ની મસ્જિદોમાં મહિલાઓ આવતી નથી. જો કે દક્ષિણ ભારતની ઘણી સુન્ની મસ્જિદોમાં મહિલાઓનું જવું સામાન્ય છે.
કુરાન અને અરબી ભાષાનો અભ્યાસ મોટા બાગે મસ્જિદોમાં અથવા મસ્જિદોની સાથેની મદરસાઓમાં જ થાય છે અને તેમા કિશોર-કિશોરીઓ બંને સામેલ હોય છે.
નમાજ પઢવા અને વજૂ કરવા પર કોઈ રોકટોક નથી. પરંતુ પુરુષ અને મહિલાઓ માટે આના સ્થાન અલગ-અલગ બનાવવામાં આવ્યા છે.
ઘણી મસ્જિદો પંથો પ્રમાણે નથી હોતી, માટે આવી મસ્જિદોમાં શિયા-સુન્ની એક જ ઈમામની રાહબરી હેઠળ નમાજ પઢે છે. જો કોઈ મહિલા મસ્જિદમાં નમાજ પઢવા ચાહે, તો તે ઈમામને કહી શકે છે અને તેના માટે અલગ જગ્યા આપી દેવામાં આવે છે.
અરજદારોએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરીવાળા સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો છે. તેમણે એ પણ લખ્યું છે કે મક્કામાં પણ મહિલાઓ અને પુરુ, સાથે કાબાની પરિક્રમા કરે છે, તેવામાં મસ્જિદોમાં તેમને પુરુષોથી અલગ ભાગમાં રાખવી ખોટું છે. જો કે મક્કાની મસ્જિદમાં પણ નમાજ પઢવા અને વજૂ કરવા માટે મહિલા અને પુરુષો માટે અલગ હિસ્સા નિર્ધારીત કરવામાં આવ્યા છે. આવું દુનિયાની તમામ મસ્જિદોમાં કરવામાં આવે છે. અરજદારોએ આને ભારતીય બંધારણ હેઠળ નિર્ધારીત મૂળભૂત અધિકારોનો ભંગ પણ ગણાવ્યો છે.
જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠે મુસ્લિમ યુગલ યાસમીન જુબેર અહમદ પીરઝાદા અને જુબેર અહમદ નજીર અહમદ પીરઝાદા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી છે. આ અરજીમાં મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ અને નમાજ અતા કરવા પર લગાવવામાં આવેલી રોકને ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ રોકને ગેરબંધારણીય ગણવામાં આવે, કારણ કે આ રોક ગેરબંધારણીય છે અને આર્ટિકલ-1, 15, 21, 25 અને 29ની વિરુદ્ધ છે.
મહત્વપૂર્ણ છે કે સુન્ની મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ કરીને નમાજ પઢવા પર રોક છે. જો કે ભારતમાં દિલ્હીની જામા મસ્જિદ સહીત ઘણી મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશની તો મંજૂરી છે, પરંતુ તે પુરુષોની જેમ સમાન કતારમાં બેસીને નમાજ પઢી શકતી નથી. તેમને નમાજ પઢવા માટે અલગ સ્થાન આપવામાં આવે છે. આના સિવાય મહિલાઓ મગરિબ એટલે કે સાંજ પછી મસ્જિદમાં નમાજ પઢી શકતી નથી.