શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આમાનો એક આતંકવાદી સજ્જાદ બટ પણ છે. આ આતંકવાદીએ 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા માટે કાર આપી હતી. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સજ્જાદ બટની સુરક્ષા એજન્સીઓને લાંબા સમયથી તલાશ હતી. તેના સિવાય પુલવામા આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોનો દાવો છે કે આ પુલવામાં હુમલામાં સામેલ આખરી આતંકવાદી હતો. તેને અનંતનાગ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે.
સેનાના સૂત્રો પ્રમાણે, મંગળવારે સવારે અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્દના આતંકવાદી સજ્જાદ બટને પણ ઠાર કર્યો છે. સજ્જાદ બટની કારનો ઉપયોગ 14મી ફેબ્રુઆરીએ થયેલા પુલવામા એટેકમાં થયો હતો.
આ સિવાય સેનાએ વધુ એક આતંકીને ઠાર કર્યો હતો. આ ઠાર થનારો આતંકી 17 જૂને પુલવામા ખાતે સેનાની ગાડીમાં થયેલા આઈઈડી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. હાલ સુરક્ષાદળો તરફથી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલા પુલવામા ખાતેના આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરના અત્યાર સુધીના સૌથી વધુ ભયાનક આતંકી હુમલામાં 14 ફેબ્રુઆરીનો ફિદાઈન એટેક સામેલ છે. તેના માટે 200 કિલોગ્રામ વિસ્ફોટકોને લાદીને કારને સીઆરપીએફના કાફલાની એક બસ સાથે શ્રીનગર-જમ્મુ હાઈવે પર અથડાવી દેવામાં આવી હતી.
આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ બસ 78 વાહનોના કાફલાનો હિસ્સો હતી. જેમાં 2547 જેટલા જવાનો હતા. પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.