માલેગાંવ બ્લાસ્ટ કેસ: પ્રજ્ઞા ઠાકુર સહિત 3 આરોપીઓને NIA કોર્ટમાં હાજર રહેવામાંથી મળી મુક્તિ
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત અને સુધાકર ચતુર્વેદીને એનઆઇએની સ્પેશિયલ કોર્ટે હાજર રહેવામાંથી છૂટ આપી દીધી છે. ત્રણેયે અરજીમાં પર્સનલ પ્રોબ્લેમ્સનો ઉલ્લેખ કરીને આ રાહત માંગી હતી. જોકે કેસના બાકી ચાર આરોપીઓને છેલ્લા આદેશ હેઠળ કોર્ટમાં દર અઠવાડિયે હાજર થવું પડશે.
ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા અને ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી અપક્ષના ઉમેદવાર સુધાકર ચતુર્વેદીએ પોતાની અરજીઓમાં ચૂંટણીની વ્યસ્તતાઓનો હવાલો આપ્યો હતો. બીજી બાજુ, કર્નલ પુરોહિતે કેટલીક પર્સનલ પ્રોબ્લેમ્સ ગણાવ્યા હતા. કોર્ટે આરોપીઓના વકીલોને માલેગાંવ વિસ્ફોટ સ્થળ પર જવાની પરવાનગી પણ આપી દીધી છે. તેમણે આ સંબંધે અલગથી અરજી કરી હતી.
હાલ, કોર્ટમાં મામલા સાથે જોડાયેલા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ ત્રણેય ઉપરાંત મામલાના બાકીના ચાર આરોપી મેજર (સેવાનિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સમીર કુલકર્ણી છે. આ તમામ જામીન પર છે.