Site icon Revoi.in

ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”

Social Share

ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ ગાંધીના વિચારોની વિરુદ્ધ છે. આરએસએસ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી છે.

ભાજપના રાજ્યસભાના સાંસદ અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રાકેશ સિંહાએ સંઘના મામલાના જાણકાર પણ માનવામાં આવે છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની જીવનકથા સહીત સંઘ સંદર્ભે ઘણાં પુસ્તકો પણ લખી ચુક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતી પર બુધવારે સવારે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ સવારે અહીં પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના એક લેખમાં કહ્યુ છે કે સંઘની શાખાઓમાં દરરોજ સવારે મહાપુરુષોની પરંપરાનું સ્મરણ કરવાની પ્રથા છે. 1963માં ગાંધીજીનું પણ નામ આમા સામેલ કરવામાં આવ્યું હતું. હાલમાં તેને એકાત્મતા સ્તોત્ર કહે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક દરરોજ સવારે એકાત્મતા સ્તોત્રમાં ગાંધીજીના નામનું ઉચ્ચારણ કરે છે.

ગાંધીજીની 150મી જયંતી પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરએસએસ પર નિશાન સાધતા કહ્યું છે કે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા માંગે છે. પરંતુ આમ શક્ય નથી. આપણા દેશના પાયામાં ગાંધી વિચાર છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપી હતી. આજે ભારત જ્યાં પહોંચ્યું છે, ત્યાં ગાંધીના માર્ગ પર ચાલીને પહોંચ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે ગાંધીનું નામ લેવું આસાન છે. પરંતુ તેમના માર્ગ પર ચાલવું મુશ્કેલ છે.

સોનિયા ગાંધીએ કહ્યું છે કે મહાત્મા ગાંધીના માર્ગ પરથી હટીને પોતાની દિશામાં લઈ જવાવાળા પહેલા પણ ઓછા ન હતા.ગત કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો કારોબાર કરીને તેઓ પોતાને ઘણાં શક્તિશાળી સમજે છે. આ તમામ છતાં ભારત ગેરમાર્ગે દોરવાયું નથી, કારણ કે આપણા દેશમાં ગાંધીના વિચારોની આધારશિલા છે.