1. Home
  2. revoinews
  3. RSS ચીફ ભાગવતની અનામત પરની ટીપ્પણીને વિપક્ષ બનાવશે હથિયાર!, ભાજપને 2015ની જેમ 3 રાજ્યોની ચૂંટણીમાં નુકસાનની શક્યતા?
RSS ચીફ ભાગવતની અનામત પરની ટીપ્પણીને વિપક્ષ બનાવશે હથિયાર!, ભાજપને 2015ની જેમ 3 રાજ્યોની ચૂંટણીમાં નુકસાનની શક્યતા?

RSS ચીફ ભાગવતની અનામત પરની ટીપ્પણીને વિપક્ષ બનાવશે હથિયાર!, ભાજપને 2015ની જેમ 3 રાજ્યોની ચૂંટણીમાં નુકસાનની શક્યતા?

0
Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર અનામત પર ચર્ચાની તરફદારી કરતું નિવેદન આપ્યું છે. જો કે આ નિવેદનમાં પણ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા અનામતની તેમની ટીપ્પણીને લઈને પેદા કરવામાં આવેલા રાજકીય વિવાદની કોશિશો હાલમાં પણ કરવામાં આવશે, કારણ કે 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે મોહન ભાગવતના કથિત ઈન્ટરવ્યૂને ટાંકીને અનામતની ટીપ્પણીને લઈને પેદા થયેલા વિવાદમાં વિપક્ષને ફાયદો અને ભાજપને હારનો સામનો કરવો પડયો હતો.

આ વખતે મોહન ભાગવતે રવિવારે કરેલા અનામત પરના નિવેદનથી ફરી એકવાર રાજકીય તાપમાન વધવાના આસાર છે. તાજેતરમાં અનુચ્છેદ-370-35એને જમ્મુ-કાશ્મીરમાં અસરહીન કરવામાં આવી છે. તેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની લોકપ્રિયતામાં 2019ની લોકસભાની ચૂંટણી કરતા પણ અનેકગણો વધારો થયો છે. આવા સંજોગોમાં આગામી સમયમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતના અનામતના નિવેદનથી વિવાદ પેદા કરીને વિપક્ષ અનુચ્છેદ-370ને અસરહીન કરવાના મોદી સરકારના વિચારધારાત્મક કાર્યની અસર ઓછી કરવા માટે કરે તેવી કોશિશોની શક્યતા છે.

મોહન ભાગવતે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યુ કે જે અનામતના પક્ષમાં છે અને જે તેની વિરુદ્ધમાં છે, તેમણે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આના પર વિમર્શ કરવો જોઈએ. સંઘ પ્રમુખે કહ્યુ છે કે તેમણે અનામત પર પહેલા પણ વાત કરી હતી. પરંતુ ત્યારે આના પર ઘણી બબાલ થઈ હતી અને પુરી ચર્ચા અસલી મુદ્દાથી ફંટાઈ ગઈ હતી. ભાગવતે કહ્યુ છે કે જે અનામતના પક્ષમાં છે, તેમણે તેનો વિરોધ કરનારાઓના હિતોને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ. તો જે તેની વિરુદ્ધ છે, તેમણે પણ આમ જ કરવું જોઈએ.

ભારતમાં હાલ એસસીને 15 ટકા, એસટીને 7.5 ટકા, ઓબીસીને 27 ટકા અને ગરીબ વર્ગના બિનઅનામત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની જોગવા છે. બાકીના 40.5 ટકામાં અન્ય બિનઅમાનત વર્ગની જાતિઓનો સમાવેશ થાય છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલા અનામત નીતિની કથિત સમીક્ષા કરવાની વકીલાત કરી હતી અને તેમણે આનો તર્ક આપ્યો હતો કે આ વર્ષો જૂની વ્યવસ્થા છે. ભાગવતના આ નિવેદનબાદ તમામ રાજકીય પક્ષો અને જાતીય સંગઠનોએ તેનો આકરો વિરોધ કર્યો હતો.

ખાસ કરીને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવે સંઘ પ્રમુખના નિવેદન દ્વારા રાજકીય વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. લાલુ યાદવ પોતાની દરેક રેલીમાં વડાપ્રધાન મોદી અને સંઘ પ્રમુખ ભાગવત પર સીધું નિશાન સાધીને કહેતા હતા કે જો કોઈનામા હિંમત છે, તો તેઓ અનામતને સમાપ્ત કરીને દેખાડે. લાલુના આ નિવેદનોથી આરજેડી અને જેડીયુના ગઠબંધનને મોટો ફાયદો થયો હતો. તો ભાજપનું બિહારમાં 2015માં બનેલું રાજકીય વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ ગયું અને તેને કારમી હારનો સામનો કરવો પડયો હતો. જો કે તેના વોટની ટકાવારીમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર અનામતની સમીક્ષાની વાત એવા સમયે કરી છે કે જ્યારે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા ભાજપ આ ત્રણેય રાજ્યોમાં ઘણી સારી સ્થિતિમાં દેખાઈ રહી છે. વિપક્ષી દળ હતાશ અને નિરાશાની સાથે વેરવિખેર દેખાઈ રહ્યા છે. તેવામાં સંઘ પ્રમુખના અનામત પરના નિવેદન પર પેદા થનારો વિવાદ વિપક્ષ માટે એક મોટા હથિયારની જેમ બની રહેશે, કારણ કે વિપક્ષ મોહન ભાગવતના નિવેદનને અલગ-અલગ અર્થઘટનો સાથે રજૂ કરીને જાતિવાદી રાજકારણ ખેલવાની કોશિશ કરશે.

મહારાષ્ટ્રમાં મરાઠા અને હરિયાણામાં જાટ અનામતને લઈને ઘણીવાર આંદોલન થઈ ચુક્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઓબીસી, એસસી અન એસટીની ઘણી મોટી ભાગીદારી છે. તો હરિયાણામાં ઓબીસી અને એસસીની મોટી સંખ્યા છે. બિહારન જેમ જો વિપક્ષી દળ ભાગવતના નિવેદનને ચૂંટણીનો મુદ્દો બનાવે છે, તો ભાજપની રાજકીય શતરંજ પર ઘણાં મ્હોરાના પિટાવાની શક્યતા છે.

જો કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનું પગલું લઈને માહોલને ઘણી હદે પોતાના પક્ષમાં કરી લીધો છે. તેવામાં જોવાનું એ રહેશે કે ભાજપના રાષ્ટ્રવાદની વિરુદ્ધ શું વિપક્ષ અનામતના મુદ્દાને રાજકીય હથિયાર તરીકે વાપરી શકશે કે તેમા તેને આ વખતે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીની જેમ સફળતા નહીં મળે?

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code