મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે રોબર્ટ વાડ્રા ઇડી ઓફિસ પહોંચી ગયા છે. બુધવારે ઇડીએ વાડ્રાને બોલાવ્યા હતા. વાડ્રાને ગુરૂવારે સવારે 10.30 વાગે બોલાવવામાં આવ્યા હતા. નક્કી સમય પર વાડ્રા ઇડી ઓફિસ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. રોબર્ટ વાડ્રાને ઇડી છોડ્યા પછી પ્રિયંકા ચાલ્યા ગયા. હવે અધિકારીઓ તેમની પૂછપરછ કરશે.
આ પહેલા આજે જ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખી હતી. વાડ્રાએ લખ્યું, ‘હું ભારતીય ન્યાયપાલિકામાં મારો વિશ્વાસ જાળવી રાખવા માંગું છું. મારી પાસે આવેલા સરકારી એજન્સીઓના તમામ સમન/માનદંડોનું પાલન કરીશ. અત્યાર સુધી મેં 11 વખત લગભગ 70 કલાકની પૂછપરછનો સામનો કર્યો છે. ભવિષ્યમાં પણ હું હંમેશની જેમ સહયોગ કરીશ, જ્યાં સુધી મારું નામ તમામ ખોટા આરોપોમાંથી મુક્ત ન થઈ જાય.’
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે ઇડીની ટીમ રોબર્ટ વાડ્રા સાથે લંડનની પ્રોપર્ટી અને તેમના અંગત સંજય ભંડારી વિશે સવાલ કરી શકે છે. ઇડીનું કહેવું છે કે લંડનમાં પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે અને તેમાં કાળાનાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આખો કેસ વિદેશોમાં રોબર્ટ વાડ્રાની 19 લાખ પાઉન્ડની સંપત્તિની માલિકી સાથે સંકળાયેલો છે, જેમાં ટેક્સથી બચવા માટે બિનજાહેર સંપત્તિ હોવાનો પણ આરોપ છે.