નવી દિલ્હી : ભારતના સૌથી વધુ ધનિક વ્યક્તિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ જાહેરક્ષેત્રના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને પાછળ છોડતા દેશમાં સૌથી વધુ ટર્નઓવર એટલે કે આવક પ્રાપ્ત કરનારી કંપની બની છે. પેટ્રોલને લઈને રીટેલ વ્યાપાર અને દૂરસંચાર જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી આરઆઈએલનો 2018-19માં કુલ કારોબાર 6.23 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો, જ્યારે આઈઓસીએ 31 માર્ચ-2019ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો એકીકૃત કારોબાર કર્યો છે.
બંને કંપનીઓ દ્વારા બીએસઈને આપવામાં આવેલી જાણકારીમાં આ વાત સામે આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આરઆઈએલ નેટ પ્રોફિટ એટલે કે શુદ્ધ લાભ પ્રાપ્ત કરવાના મામલામાં પણ સૌથી આગળ રહી છે. 31 માર્ચે સમાપ્ત નાણાંકીય વર્ષમાં તેનો શુદ્ધ લાભ આઈઓસીના મુકાબલે બેગણાથી વધારે રહ્યો છે. વધતા કારોબાર વચ્ચે રિલાયન્સનો શુદ્ધ લાભ 2018-19માં 39588 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે ઈન્ડિયન ઓઈલના સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં 17274 કરોડ રૂપિયાનો નફો નોંધાયો છે.
લગભગ એક દશક પહેલા ઈન્ડિયન ઓઈલના મુકાબલે આઈઓસીનો કારોબાર અડધો હતો, પરંતુ કંપની દ્વારા દૂરસંચાર, રીટેલ અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં વિસ્તરણ કરવાથી તેના કારોબારમાં તેજીથી વૃદ્ધિ થઈ છે. આઈઓસી ગત વર્ષ સુધી દેશની સૌથી વધુ નફો કમાનારી કંપની હતી, પરંતુ આ વર્ષે લાગે છે કે ઓએનજીસી તેને પાછળ છોડી દેશે. ઓએનજીસીનું વાર્ષિક પરિણામ હજી આવવાનું છે. કંપની પહેલા નવ માસમાં 22671 કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કરી ચુકી છે.
આનાથી વિપરીત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શુદ્ધ નફો 13 ટકા વધીને 39588 કરોડ રૂપિયા થયો છે. જ્યારે 2017-18માં તેણે 34988 કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો હતો. જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીએ 2017-18માં 1995.26 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ત્યારે તે આઈઓસીના મુકાબલે પાછળ હતી. તે વર્ષે આઈઓસીએ 22189.45 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો પ્રાપ્ત કર્યો હતો. તેની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ કુલ કારોબાર, નફો અને બજાર મૂડીકરણ ત્રણેય માપદંડોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મજબૂત રિફાઈનિંગ માર્જિન અને તેજીથી વધતા રીટેલ કારોબારને કારણે રિલાયન્સે 2018-19માં 44 ટકા વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. કંપનીનો નાણાંકીય વર્ષ 2010થી લઈને 2019ના સમયગાળામાં વાર્ષિક દ્રષ્ટિએ 14 ટકા વૃદ્ધિ દર રહ્યો છે. તેના મુકાબલે આઈઓસીને ગત નાણાંકીય વર્ષમાં કારોબાર વૃદ્ધિ 20 ટકા અને 2010થી 2019ની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ 6.3 ટકા રહી હતી.