વડોદરામાં ગમખ્વાર અકસ્માતમાં 11નાં મોતની આશંકા, 17 ઘાયલ, PM મોદી અને CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુ:ખ
- વડોદરાના વાઘોડીયા ચોકડી બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
- આ અકસ્માતમાં 11ના મૃત્યુની આશંકા, 17 જેટલા લોકો ઘાયલ
- PM મોદી અને રાજ્યના CM વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડોદરા: આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી પાવાગઢ ટેમ્પોમાં દર્શનાર્થે જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 2 બાળક, 5 મહિલા અને 3 પુરુષના મૃત્યું થયા છે. જ્યારે અન્ય 17 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
PM મોદીએ પણ આ દૂર્ઘટના પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો અને ઘાયલો જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. આ અંગે CM રૂપાણીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
વડોદરા નજીક થયેલા અકસ્માતને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને તપાસના દિશા-નિર્દેશ આપ્યા છે. તે ઉપરાંત અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. તે ઉપરાંત કહ્યું હતુંકે મૃત્યુ પામનારાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં 11 જેટલા લોકોના મૃત્યુની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હાલમાં વધુ તપાસ આદરી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(સંકેત)