અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસના પેકેટ બીન વારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન રાજકોટના જેતપુરમાંથી હેરોઈન પકડાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર શહેરમાં ગેબનશાહ પીરની દરગાહ પાસે મહેબુબ ઉપે મેબલો હારૂન પરમાર નામના શખ્સને પોલીસે અટકાવ્યો હતો. તેમજ તેની તપાસમાં હેરોઈનનો જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરીને રૂ. 3.28 લાખની કિંમતનો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને મહેબુબના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. તેમજ હેરોઈનના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, દેશમાં અનેક જગ્યાએ હજુ પણ હેરોઇન, ગાંજા જેવા ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે તેમ છત્તાં કોઇને કોઇ રીતે અધિકારીઓ સાથે ડ્રગ માફિયાઓને મજબૂત કનેક્શનને કારણે ડ્રગ્સનું બ્લેક માર્કેટ ખૂબજ ધમધમી રહ્યું છે.