અધ્યાપકોના પડતર પ્રશ્નો બાબતે GUSSની શિક્ષણમંત્રીશ્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
– અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને GUSS ની શિક્ષણ મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
– અધ્યાપકોના પ્રમોશનના લાભો સહિત વિવિધ પ્રશ્નો પર થઈ ચર્ચા
– નવી શિક્ષણ નીતિ (NEP) અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ન્યુ દિલ્હી સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગના રાજ્યસ્તરના પ્રતિનિધિ મંડળની શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી વિભાવરીબહેન દવે, અગ્ર સચિવ શ્રીમતી અંજુબહેન શર્મા અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યના અધ્યાપકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે પૂર્ણ કક્ષાની બેઠક તા. 13 ઓગષ્ટ, ગુરુવારે KCG, અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોના વણઉકલેલા પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.
ABRSM ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રો. પ્રજ્ઞેશભાઈ શાહે મીટીંગની વિગતો આપતા જણાવ્યું હતું કે, “અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે ગઈ તા. ૨૬ જુને શિક્ષણમંત્રીને આવેદનપત્ર મોકલીને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે પૂર્ણ કક્ષાની મીટીંગની માંગણી કરી હતી જેના અનુસંધાનમાં આજની આ બેઠક યોજાઈ હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મંત્રીશ્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મળેલી આ બેઠકમાં અધ્યાપકોના પ્રમોશન (CAS) ના લાભો પુનઃ ચાલુ કરવા, છઠ્ઠા પગારપંચની સ્ટીકરની કામગીરી ઝોન વાઈઝ કેમ્પ યોજીને ઝડપથી પૂરી કરીને બાકી રહેલા અધ્યાપકોની પગાર સુધારણા કરવી અને તા. ૧/૧/૨૦૧૬ બાદ નિવૃત્ત થયેલા અધ્યાપકોના પેન્શન રીવાઈઝ કરવા, અધ્યાપકોના પ્રમોશન માટેની હિન્દી અને CCC+ પરીક્ષાની જોગવાઈ દૂર કરવી, અધ્યાપક સહાયકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણીને બઢતીના લાભો આપવા તેમજ તેઓને ફાજલ રક્ષણ અને પ્રપોર્શનેટ પગાર વધારો આપવો, હાઇકોર્ટના તા. ૫/૫/૨૦૧૭ ના આદેશ મુજબ એડહોક અધ્યાપકોમાં સિનીયોરીટી અંગેની અસમાનતા દૂર કરવી, ૨૦-૨૫ વર્ષની નોકરી બાદ ખંડ સમયમાંથી પૂર્ણ સમયમાં નિમાયેલા અધ્યાપકોને ફરીથી પાંચ વર્ષના ફિક્સ પગારને બદલે બેઝીક પગારથી નિમણુક આપીને ફાજલનું રક્ષણ, રજા વિષયક લાભો તેમજ સહાયક સમયગાળાની નોકરી સળંગ ગણવી, કોલેજ કે યુનિવર્સિટી બદલનારા અધ્યાપકોને તેઓની અગાઉની નોકરી સળંગ ગણીને પગાર રક્ષણ આપવું, સરકારી કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકોની માફક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના અધ્યાપકોને પણ નિવૃત્તિ સમયે ૩૦૦ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર કરવું, UGC ની જોગવાઈ મુજબ સ્નાતક કક્ષાની કોલેજોમાં કુલ સ્ટાફના ૧૦ % અધ્યાપકોને પ્રોફેસરનું પ્રમોશન આપવું, છઠ્ઠા પગારપંચમાં થયેલા સુધારા પ્રમાણે લેકચરરની જગ્યાએ આસીસ્ટંટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરનું નામાભિધાન કરવું, યુનિવર્સિટીમાં સીધી ભરતીથી નિમાયેલ પ્રોફેસરોને છઠ્ઠા પગારપંચ મુજબ ૪૩,૦૦૦ બેઝીક તેમજ ૧૦,૦૦૦ ગ્રેડ પે આપવો, રાજ્યની તમામ કૉલેજ અને યુનિવર્સિટીનાં અધ્યાપકોને સમાન ધોરણે EL મળે વગેરે પ્રશ્નોની ચર્ચા થઇ હતી.”
આ તમામ પ્રશ્નોની રજુઆતમાં શિક્ષણમંત્રીશ્રી અને અગ્ર સચિવે અંગત રસ લઈને મોટા ભાગના પ્રશ્નોના નિકાલ માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ (NEP) વિષે પણ વિષદ ચર્ચા થઈ હતી. શૈક્ષિક સંઘે NEP બાબતે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.