ગુજરાત યુનિવર્સિટીની 21 ઓગસ્ટે યોજાનારી પરીક્ષાઓ રખાઇ મોકૂફ, નવી તારીખ હવે પછી જાહેર થશે
– કોરોના મહામારીને કારણે હાલમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ઓનલાઇન અભ્યાસ
– 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષાઓ હવે મોકૂફ રખાઈ
કોરોના મહામારીને કારણે હાલમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઇન ચાલી રહ્યો છે. જો કે થોડાક સમય પહેલા અમદાવાદમાં સંક્રમણની સ્થિતિ અંકુશમાં આવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ વિકલ્પ પસંદ કરી શકશે.
અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે તબક્કામાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની હતી. આ માટે યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની યુજી-પીજીની વિવિધ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી. જે મુજબ યુજી અને પીજી વિદ્યાશાખાની પરીક્ષાઓ અનુક્રમે 21મી અને 31મી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સવારે 10થી 12 તેમજ બપોરે 3 થી 5 એમ બે તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી.
નોંધનીય છે કે, આ પહેલા જુલાઈમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું હતું.
મહત્વનું છે કે, હવે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તેથી વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાશે તેમજ નવેસરથી જે પરીક્ષાઓ યોજાય તે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે યોજાય તેવી શક્યતા છે.
(સંકેત)