1. Home
  2. revoinews
  3. રાજ્ય સરકારનો નિર્ણય: નવરાત્રિમાં ફ્લેટ-સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ પરવાનગી જરૂરી નથી
રાજ્ય સરકારનો નિર્ણય: નવરાત્રિમાં ફ્લેટ-સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ પરવાનગી જરૂરી નથી

રાજ્ય સરકારનો નિર્ણય: નવરાત્રિમાં ફ્લેટ-સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ પરવાનગી જરૂરી નથી

0
Social Share
  • રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના, મૂર્તિ સ્થાપનને લઇને રાજ્ય સરકારનો યુ-ટર્ન
  • હવે ફ્લેટ કે સોસાયટીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસની મંજૂરી લેવી નહીં પડે
  • રાજ્ય સરકારે કરેલી આ સ્પષ્ટતા બાદ ફ્લેટ ધારકો અને સોસાયટીઓએ રાહતનો શ્વાસ લીધો

ગાંધીનગર:  નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના અને મૂર્તિ સ્થાપના માટે રાજ્ય સરકારે પહેલા કરેલી જાહેરાતમાં હવે ફેરફાર કર્યો છે. પહેલા નવરાત્રિની પૂજા-અર્ચના તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની પરવાનગી લેવી જરૂરી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે યુ-ટર્ન લીધો છે. સરકારે હવે સ્પષ્ટતા કરી છે કે માત્ર જાહેર સ્થળો, માર્ગે કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઇ જ મંજૂરી લેવાની આવશ્યકતા નથી.

સરકારે  તહેવારો અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા:

  • રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં
  • રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે
  • આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજનો કરી શકાશે નહીં
  • નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે
  • ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે. સરકારે બાદમાં પ્રસાદ અંગે સ્પષ્ટતા કરી છે કે પેકિંગમાં હોય તેવો પ્રસાદ આપી શકાશે.
  • 200થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ દરમિયાન તમામ એસ.ઓ.પીનું પાલન કરવું આવશ્યક રહેશે
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે
  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે

આપને જણાવી દઇએ કે અગાઉ સરકારે નવરાત્રિમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી હોવાની જાહેરાત કરી હતી. જો કે બાદમાં સોસાયટી અન ફ્લેટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ બાદ લોકોને મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનમાં લાઇન લગાવી હતી. જો કે સરકારે બાદમાં સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં પરવાનગી જરૂરી ન હોવાનું કહેતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code