ગુજરાત સરકારે પરિપત્ર રજૂ કર્યો, વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, નહીં લાગે કોઇ લેટ ચાર્જ
- વાલીઓ દ્વારા ફીની ચૂકવણીને લઇને રાજ્ય સરકારનો પરિપત્ર
- વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, લેટ ફી ચાર્જ પણ નહીં આપવો પડે
- પરિપત્રમાં સ્પષ્ટતા, સ્કૂલો માત્રને માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે
ગાંધીનગર: કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે હાલમાં વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. જો કે હવે ફી મુદ્દે ગુજરાત સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.
સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2020-21માં ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE, ICSE, IB તથા અન્ય બોર્ડ સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ કોઇપણ પ્રકારનો ફી વધારો નહીં કરી શકે.
તે ઉપરાંત પરિપત્ર અનુસાર શાળાઓ કોઇ જ વૈકલ્પિક પ્રવૃત્તિઓ-સુવિધાઓ સહિત કોઇ ઇતર ફી પણ નહીં લઇ શકે. જે વાલીએ આ ફી ભરી દીધી હોય તેમને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આ રકમ સરભર કરી આપવાની રહેશે. સ્કૂલો માત્રને માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે.
રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળાઓ ફીમાં 25 ટકાની રાહત આપતો પરિપત્ર જારી કર્યો હતો. ત્યારે ખાનગી સ્કૂલોના સંચાલકોએ 31 ઑક્ટોબર સુધીમાં જે વાલી ફી ભરે તેમને જ 25 ટકા રાહત આપવાની વાત કરી હતી. પરંતુ સરકારના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, ટ્યૂશન ફીમાં 75 ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી દર મહિને હપ્તે કે એક સાથે વર્ષમાં ગમે ત્યારે ભરી શકશે.
(સંકેત)