ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
- ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
- તેમના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે
ગાંધીનગર: ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ગાંધીનગર ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સાંજના પાંચ વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી સબવાહિની મારફતે સ્માશાનગૃહ ખાતે લઇ જવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.
તેમના નિધન બાદ સરકાર તરફથી આજના એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના બીજેપીના નેતાઓએ કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.
તેમના નિધન પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે “જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.”
આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. કેશુબાપાનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સવારે પોણા અગિયાર આસપાસ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે 11.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી હતી.
નોંધનીય છે કે, કેશુભાઇ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઇ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
(સંકેત)