1. Home
  2. revoinews
  3. કાકાસાહેબ કાલેલકરનો આજે જન્મદિવસ: તેમના પ્રવાસ વિશેના વિચારો પર આજે ફેસબૂક લાઇવનું આયોજન
કાકાસાહેબ કાલેલકરનો આજે જન્મદિવસ: તેમના પ્રવાસ વિશેના વિચારો પર આજે ફેસબૂક લાઇવનું આયોજન

કાકાસાહેબ કાલેલકરનો આજે જન્મદિવસ: તેમના પ્રવાસ વિશેના વિચારો પર આજે ફેસબૂક લાઇવનું આયોજન

0
Social Share
  • ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત અને સવાઇ ગુજરાતી કાકાસાહેબ કાલેલકરનો આજે જન્મદિવસ
  • તેમના જન્મદિવસ પ્રસંગે જાણીતા લેખક-પત્રકાર રમેશ તન્ના દ્વારા આજે રાત્રે 8 થી 8 વાગ્યે ફેસબૂક લાઇવનું આયોજન
  • ફેસબૂક લાઇવ કાર્યક્રમમાં તેઓ કાકાસાહેબના પ્રવાસ વિશેના વિચારો પ્રસ્તુત કરશે

અમદાવાદ: ‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) જેવા ઉત્કૃષ્ટ પ્રવાસગ્રંથોના પ્રવાસલેખક અને નિબંધકાર તેમજ ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત અને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ પ્રાપ્ત કરનાર કાકાસાહેબ કાલેલકરનો આજે જન્મદિવસ છે.

“સવાઇ ગુજરાતી”નું બિરુદ મેળવનારા કાકાસાહેબ કાલેલકર દ્વારા લેખિત ઉત્કૃષ્ટ અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો પ્રવાસ’. આ પ્રવાસ પુસ્તકને ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ પ્રવાસ પુસ્તક માનવામાં આવે છે. ગુજરાતીઓ વર્ષોથી તેને ઉત્સાહપૂર્વક વાંચે છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્ના દ્વારા કાકાસાહેબ કાલેલકરના પ્રવાસ વિશેના વિચારો અંગે રાત્રે 8 થી 9 વાગ્યે એક ફેસબૂક લાઇવ તેમની ફેસબૂક વોલ પર આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસબૂક લાઇવ કાર્યક્રમમાં પોઝિટિવ મીડિયા ઉપરાંત માતૃભાષા અભિયાન, ગુજરાત બૂક ક્લબ, જીએલએફ એટલે કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અસ્મિતા ગુર્જરી, નવી સવાર વગેરે સંસ્થાઓ પણ સહભાગી થશે.

‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક વિશે

કાકાસાહેબ કાલેલકર દ્વારા લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો પ્રવાસ’. તેમણે ઈ.સ.1912માં હિમાલયનો પ્રવાસ કર્યો હતો. રોજના વીસ-ત્રીસ માઈલની પગયાત્રા કરીને કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં તેમણે પૂર્ણ કર્યો હતો. અનંત-આનંદની હિમાલય-યાત્રામાં કાકાની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત હતી. કા.કા.એ સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ.1919માં પ્રવાસ-વર્ણન લખવાનો આરંભ કર્યો હતો. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સારુ આશ્રમના હસ્તલિખિત માસિક માટે શરૂ કરી હતી. હિમાલયના પ્રવાસનું આનંદદાયક અને અનુભવલાયક વર્ણન-સ્મરણ નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઈ.સ.1924માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. કાકા કાલેલકરે આ પુસ્તક તેમના સાથી-પ્રવાસી અને પ્રિય સુહૃદ બ્રહ્મચારી અનંતબુવા મરઢેકરના પવિત્ર સ્મરણને અર્પણ કર્યું છે.

કાકાસાહેબ કાલેલકર વિશે

કાકાસાહેબ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૮૮૫માં થયો અને ૯૬ વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું. ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસ લેખકોમાંના એક. મૂળ મરાઠી પછી એલ.એલ.બી. ભણી, ગુજરાત આવ્યા અને ૧૯૧૫થી શાંતિનિકેતનમાં, ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક રહ્યા. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. અને ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવેલું. ગાંધીજીના અંતેવાસીઓમાંના એક એવા કાકાસાહેબને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું છે.

તેમના સાહિત્યીક યોગદાન વિશે

‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે.

‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.

પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન

એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code