અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શૈક્ષિક મહાસંઘનું મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને ઇમેલ અભિયાન
- કોલેજ-યુનિવર્સિટીના અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે શૈક્ષિક મહાસંઘનું ઇમેલ અભિયાન
- મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને બે દિવસમાં ઇમેલ મોકલી પ્રશ્નો ઉકેલવા માંગણી કરાશે
- માનનીય શિક્ષણ મંત્રી સાથે રૂબરુ મુલાકાતની પણ શૈક્ષિક મહાસંઘની માંગણી
ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અને કોલેજ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નો અને સમસ્યાને વાચા આપતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાની માંગણી સાથે રાજ્યવ્યાપી ઇમેલ અભિયાન શરૂ કર્યું છે. આ ઇમેલ મારફતે મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને લાંબા ગાળાથી વણઉકલેલા પ્રશ્નોને વાચા આપવા તેમજ તેનો ઝડપી ઉકેલ લાવવા માટે અનુરોધ કરાશે.
આ અભિયાન અંતર્ગત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોના અધ્યાપકો દ્વારા મોટી સંખ્યામાં ઇમેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોકલવામાં આવશે અને પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માંગણી કરાશે.
આ અગાઉ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ, ગુજરાત દ્વારા તા.26 જૂનના રોજ પણ શિક્ષણમંત્રીને પત્ર પાઠવીને અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
જે પ્રશ્નોના ઉકેલ માટે બન્ને વખત જે રજૂઆત કરવામાં આવી છે તે નીચે મુજબ છે.
- તા.1/1/2016 થી અટકાવાયેલા CAS (પ્રમોશન) ના લાભો સત્વરે ચાલું કરવા
- 7માં પગારપંચનો લાભ જે કોલેજોને નથી મળ્યો તેમને તાત્કાલિક નવું પગાર ધોરણ મંજુર કરવું
- તા. ૧/૧/૨૦૧૬ બાદ નિવૃત્ત થયેલા અધ્યાપકોના છઠ્ઠા પગારપંચના સ્ટીકરની કામગીરી વિના વિલંબે પૂર્ણ કરીને તેઓનું પેન્શન રીવાઈઝ કરવું
- હિન્દી વિષય અને CCC+ માટેની શરતો હટાવવી
- નિવૃત્તિ સમયે ૨૪૦ ને બદલે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરવું
- અધ્યાપકોના નામાભિધાન અંગેના રાજ્ય સરકારના તા. ૧૮/૧૦/૨૦૧૭ ના ઠરાવનો અમલ કરવો
- સીધી ભરતીથી નિમાયેલ પ્રોફેસરોના પગાર નિર્ધારણ માટે તમામ યુનિવર્સિટીમાં એકસમાન નીતિનો અમલ કરવો
- ફિક્સપગારી અધ્યાપક સહાયકની જોગવાઈ હટાવીને તેઓને મળવાપાત્ર તમામ લાભો સહિત પુરા પગારમાં સમાવવા
- કોલેજ કે યુનિવર્સિટી બદલનાર અધ્યાપકના કિસ્સામાં અગાઉની નોકરીને સળંગ ગણીને પગાર રક્ષણ આપવું
નોંધનીય છે કે, આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં માન. શિક્ષણમંત્રીશ્રી સાથે શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની પૂર્ણ કક્ષાની બેઠક થાય તેવી માંગણી શૈક્ષિક મહાસંઘે કરેલ છે.
(સંકેત)