- દિવાળી વેકેશન માટે હવે તમે થઇ જાય તૈયાર
- પ્રવાસીઓ માટે કચ્છનું ટેન્ટ સિટી 12 નવેમ્બરથી ખુલી રહ્યું છે
- પ્રવાસીઓ માટે ફરવાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે કચ્છનું ટેન્ટ સિટી
કચ્છ: જો તમે દિવાળી વેકેશન માટે હજુ કોઇ પ્લાનિંગ ના કર્યું હોય તો તમારી પાસે કચ્છના અપાર સફેદ રણની વચ્ચે દિવાળી મનાવવાની તક છે. કચ્છના સફેદ રણમાં આવેલું ‘ટેન્ટ સિટી કચ્છ’ દિવાળીના બે દિવસ પહેલા એટલે કે 12 નવેમ્બરથી મહેમાનોને આવકારવા માટે ખુલી રહ્યું છે.
7500 ચો.મી.થી વધુ વિસ્તારમાં પથરાયેલું ખૂબજ સુંદર અને નયનરમ્ય સ્થળ કચ્છનું ટેન્ટ સિટી મુલાકાઓતી માટે ફરવાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે.
કચ્છના સફેદ રણ નજીક ધોરડો ગામમાં સ્થાપવામાં આવેલા આ ટેન્ટિ સિટીમાં 350થી વધુ ટેન્ટ આવેલા છે. કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત લઇને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ પ્રવાસીઓ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની પણ મુલાકાત લઇ શકે છે. અહીંયા નજીકમાં અન્ય ઐતિહાસિક સ્મારકો અને મુલાકાત લેવા જેવા સ્થળો પણ આવેલા છે. મહેમાનો અહીં લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમની મોજ માણી શકે છે.
કચ્છના ટેન્ટ સિટી જોવો એટલે ચાંદની રાતે સફેદ રણને જોવું જિંદગીનો એક સૌથી મોટો અનુભવ અને લહાવો ગણાય છે. અહીં એવું લાગે કે જાણે તમે પૃથ્વી પર નહીં, પણ ચંદ્ર પર છો. અહીંયા ચારેબાજુ ખારપટ છવાયેલા છે, જે ચાંદની રાતે ચમકી ઉઠે છે. એક સમય એવો હતો કે અહીં ન કોઇ વ્યક્તિ રહેતી હતી કે ન કોઇ જીવજંતુ. જયારથી અહીં રણોત્સવની શરૂઆત થઇ છે ત્યારથી રણનો આખો ચહેરો બદલાઇ ગયો છે. હવે લોકો દૂર દૂરથી આ સફેદ રણને જોવા માટે આવે છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે ઉનાળામાં સફેદ રણનું તાપમાન ૪૫થી ૫૦ ડિગ્રી અને ઘણીવાર તેના કરતાં પણ વધુ હોય છે. આ સમયે અહીં જીવવાનું ઘણું મુશ્કેલ હોય છે. એટલા માટે જ અહીં શિયાળો શરૂ થયા બાદ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છના રણને માણવાની સૌથી સારી જગ્યા ધોરડો નામના ગામમાં બનાવવામાં આવેલું ટેન્ટ સિટી છે.
(સંકેત)