લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે અજાણતા અથવા ભૂલને કારણે એક અથવા બે વખત ખોટું નામ લેવાય. પરંતુ રાજનાથસિંહે ચાર વખત ખોટું નામ દોહરાવ્યું હતું. આ નામ હતું વિદેશ પ્રધાન એસ. જયશંકરનું. રાજનાથસિંહે ચાર વખત જયશંકર પ્રસાદ કહ્યું હતું.
કાશ્મીર પર ડોનાલ્ડ ટ્રમ્પના હંગામો ઉભો કરનારા નિવેદન પર લોકસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો હતો. વિપક્ષના નેતા લોકસભામા સરકારનો જવાબ માંગી રહ્યા હતા. કોંગ્રેસ બીજા દિવસે પણ પીએમ મોદીની ઘેરાબંધીમાં લાગી હતી. પીએમ મોદીના નિવેદનની વિપક્ષ માગણી કરી રહ્યું હતું.
આ માગણી પર વડાપ્રધાન મોદી ગૃહમાં તો આવ્યા નહીં, પરંતુ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. ગૃહમાં તેમણે મજબૂતાઈથી ટ્રમ્પના દાવાઓને રદિયો આપ્યો હતો. રાજનાથસિંહે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે ટ્રમ્પ સાથે કાશ્મીર પર વડાપ્રધાનની કોઈ વાત થઈ નથી. પરંતુ નિવેદન આપતી વખતે સંરક્ષણ પ્રધાનની જીભ લપસી ગઈ હતી.
દેશના સંરક્ષણ પ્રધાન પોતાના જ વિદેશ પ્રધાનના સંબોધનમાં ભૂલ કરી બેઠા હતા. રાજનાથસિંહ એસ. જયશંકરના સ્થાને જયશંકર પ્રસાદ બોલી ગયા હતા. જ્યારે સંરક્ષણ પ્રધાન ખોટા નામથી સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમની બાજૂમાં જ બેઠા હતા. તેવામાં એ કહેવું પણય યોગ્ય નથી કે તેમને વિદેશ પ્રધાનનું નામ ખબર નહીં હોય. પરંતુ ઘણીવાર અજાણતા પણ ભૂલ થઈ જતી હોય છે અને જ્યારે જાહેરજીવનમાં આવું થાય તો આ ભૂલો સાર્વજનિક પણ થઈ જાય છે.